આણંદ : સૂત્રોના જણાવ્યાં મુજબ, બોરસદ વનવિભાગમાં જ જાણે પશુઓને ગુમ કરી દેવાતાં હોય તેવી શંકા ઉપજાવતી અરજી આણંદ વન સંરક્ષક અધિકારીને એક જાગૃતજને કરી છે. જાગૃત નાગરિક દ્વારા કરાયેલી આ અરજીમાં આક્ષેપ કરાયાં છે કે, ચાલુ વર્ષમાં બોરસદ વનવિભાગ દ્વારા દરોડા પાડીને ૨ આંધળી ચાકરણ પકડવામાં આવી હતી. આ અંગે જે-તે સમયે સ્થળ પર પંચક્યાસ કરાયો હતો, જેમાં ૨ આંધળી ચાકરણ જપ્ત કરાઈ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. ત્યારબાદ બેમાંથી એકને મુક્ત કરવામાં આવી હતી, જ્યારે બીજી આંધળી ચાકરણ બોરસદ રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા ગુમ કરી દેવામાં આવી હોવાના આક્ષેપ કરાયાં છે. બીજી આંધળી ચાકરણનો ગેરકાયદેસર વહીવટ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ ઊઠી છે. આરએફઓ દ્વારા એક આંધળી ચાકરણ મુક્ત કરી હોવાનો પત્ર વ્યવહાર અને મેઈલ કરાયો છે, પરંતુ બીજી આંધળી ચાકરણનું શું કરાયુ? તેની કોઈ વિગતો આપવામાં આવી નથી. 

આ ઉપરાંત વધુમાં આક્ષેપ કરાયો છે કે, બોરસદ વનવિભાગ દ્વારા ૧ વર્ષ અગાઉ ગાજણાં ગામમાંથી માંકડાનું બચ્ચું અને શાહુડી કબજે લેવામાં આવી હતી. જે કબજે લેવાયા અંગે કોઈપણ જાતની નોંધ સરકારી કાગળમાં કરાઈ નથી અને તે સંદર્ભનું પંચનામુ પણ કરવામાં આવ્યુ નથી. તેમજ આ માંકડાનું બચ્ચું અને શાહુડી ગુમ કરી દેવામાં આવી છે.

આ સંદર્ભે બોરસદ વનવિભાગમાં તપાસ કરતા આ અંગે કોઈ આધાર પુરાવા કે માહિતી ન અપાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, જેથી આ તમામ બાબતે આણંદ વનસરંક્ષક અધિકારીને અરજી કરી કાયદેસરની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે માગ કરાઈ છે.

વનસરંક્ષક અધિકારીએ અરજીના મુદ્દે તપાસના આદેશ કર્યા

આ સમગ્ર બાબતે આણંદ વનસંરક્ષક બી.આર. પરમારે અરજદારની અરજીને ધ્યાને લઈ તાત્કાલિક તપાસના આદેશ કર્યા છે. તેમણે બોરસદ પરીક્ષેત્ર વન અધિકારીને પત્ર લખી આ સમગ્ર બાબતે તપાસ કરી અરજદાર અને નાયબ વનસરંક્ષક કચેરીમાં જાણ કરવા માટે જણાવ્યું છે.