ગાંધીનગર, દેશને માદક પદાર્થોથી મુક્તિ અપાવવા માટે સરકારની પ્રાથમિકતા છે તેમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ એન્ડ એનાલિસિસ ઓફ નારકોટિક ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટન્સના લોકાર્પણ સમયે જણાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સમય હવે પોલીસના થર્ડ ડિગ્રીનો જમાનો નથી રહ્યો, પરંતુ ફોરેન્સિક સાયન્સ એન્ડ ટેકનોલોજીના સાધનોના માધ્યમથી તપાસ કરીને આરોપીઓને સજા અપાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ સાથે આઇપીસી અને સીઆરપીસીમાં આગામી દિવસોમાં ફેરફાર કરવાના પણ સંકેતો પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ આપ્યા હતા.ગાંધીનગર ખાતે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલા સેન્ટર ઓફ એક્સલન્સ એન્ડ એનાલિસિસ ઓફ નારકોટિક ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટન્સનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જાેડાયા હતા. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી શાહે મહિલાઓ વિરુધ્ધ અપરાધ અને તપાસ પર પોલીસ અધિકારીઓ માટે તૈયાર થયેલ વર્ચ્યુઅલ પ્રશિક્ષણ મોડયુઅલનું પણ લોકાર્પણ કર્યું હતું.આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સમયમાં પોલીસ તપાસ દરમિયાનમાં હવે થર્ડ ડિગ્રીનો જમાનો નથી રહ્યો. એફએસએલના યોગ્ય ઉપયોગથી કોઈ પણ કઠોર‌ વ્યક્તિને પણ‌ તોડી શકાય છે એટલે કે, ફોરેન્સિક સાયન્સ એન્ડ ટેકનોલોજીના સાધનોના માધ્યમથી તપાસ કરીને આરોપીઓને સજા અપાવવાની દિશામાં આગળ વધી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી શિક્ષણ નિતીનો સૌથી વધુ લાભ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને થશે. અત્યારે દેશના સાત રાજ્યોએ પોતાના રાજ્યમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની શાખા શરૂ કરવામાંની તૈયારી બતાવી છે.કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સાચા અર્થ આર્ત્મનિભર બની રહ્યું છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી આગામી ટૂંક સમયમાં ફોરેન્સિક ક્ષેત્રે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી બનશે. દેશનાં સાત રાજ્યોએ પ્રસ્તાવ મૂક્યા છે કે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી તેમના રાજ્યમાં યુનિવર્સિટીની કોલેજાે સ્થાપે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાયબર સિક્યુરિટી આગામી ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આઈપીસી અને સીઆરપીસી એક્ટના કાયદામાં ભારત સરકાર આમૂલ પરિવર્તન કરવા માંગે છે અને તેના માટે નિષ્ણાતો અને તજજ્ઞો પાસેથી કેન્દ્ર સરકાર દ્વારા સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે.શાહે એમ પણ જણાવ્યું હતું કે, આપણી પોલીસ ‘નો એક્શન’ અને એક્સ્ટ્રીમ એક્શન’ વચ્ચે ફસાયેલી છે, પરંતુ પોલીસને હવે નૈસર્ગિક એક્શનની જરૂર છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, નશીલા પદાર્થોની અસર દેશના આર્થિક વિકાસ પર પડી રહી છે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું છે કે, ભારતમાં ડ્રગ્સને આવવા પણ નહીં દેવાય કે ડ્રગ્સ લાવવાનો માર્ગ પણ નહીં બનવા દેવામાં આવે.કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે જણાવ્યું હતું કે, દેશમાં નાર્કો ટેરેરીઝમ પણ એક મોટી સમસ્યા છે, તેની સામે પણ‌ આ સેન્ટર ઓફ એક્સલન્સ એન્ડ એનાલિસિસ ઓફ નારકોટિક ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટન્સ ઘણું ઉપયોગી બની રહેશે. એટલું જ નહિ છેલ્લા દોઢ વર્ષમાં નાર્કોટિક્સ ડ્રગ્સ પકડવામાં ભારતને મોટી અને વિક્રમજનક સફળતા મળી છે. એટલે કે, અત્યારે નાર્કોટિક્સ વિભાગનો સુવર્ણ સમય‌ અત્યારે ચાલી રહ્યો‌ છે.આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને નેશનલ દરજ્જાે આપ્યો તે ખૂબ મહત્વનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહના આભારી છીએ. ડ્રગ્સનું સંપૂર્ણ એનાલિસિસ થાય તે માટે આ સેન્ટર ઓફ એક્સલન્સ એન્ડ એનાલિસિસ ઓફ નારકોટિક ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટન્સ ખૂબ જ ઉપયોગી છે. ભારતને નશીલા પદાર્થોમાંથી મુક્તિ મળે તે જરૂરી છે. દેશમાં ચાલી રહેલા અઘોષિત ડ્રગ્સ યુદ્ધને આપણે નજર અંદાજ ન કરવું જાેઈએ.રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે પ્રયાસો કર્યા છે, તેનાથી મને વિશ્વાસ છે કે ભારત સુરક્ષિત છે. ગુજરાતમાં મહિલાઓને સુરક્ષા આપવા અનેક યોજનાઓ અને કાયદાઓ બનાવ્યા છે. લવ જેહાદનો કાયદો બનાવ્યો તે ઉપયોગી બનશે. રાષ્ટ્ર નશા મુક્ત બને તેના માટે આ સેન્ટર ઉભુ થયુ તે ગૌરવની વાત છે. કોઈ પણ ડ્રગ્સનું એનાલિસિસ થાય અને તે ક્યાથી આવે છે? તેમજ ડ્રગ્સ માફિયાઓ પર કડક નજર રાખી શકાશે.રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતના યુવાનો નશા મુક્ત થાય તેનો ગુજરાતને પણ લાભ મળશે. ગુજરાતમાં દારુબંધીના કાયદા કડક બનાવ્યા છે. બુટલેગરોને દારુ વેચવો મુશ્કેલ બન્યો છે. ગુનાઓમાં તપાસ ઝડપી કરવી અને સજા થાય તે સમયની માંગ છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધ અને તપાસ પર પોલીસ અધિકારીઓ માટે તૈયાર થયેલ વર્ચ્યુઅલ મોડયુઅલને લોન્ચ કરાયો છે.આ કાર્યક્રમ દરમિયાન નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. જે.એન. વ્યાસે જણાવ્યું હતું. ડ્રગ્સ પકડાય તે મહત્વનું છે પણ ભારતમાંથી ડ્રગ્સનો વ્યસન તરીકે ઉપયોગ રોકી શકાય તે કામગીરી માટે નવા લોકાર્પણ થયેલા સેન્ટરનો ઉપયોગ કરવામાં આવશે.