સુરત-

હાલ નવરાત્રિ પર્વ ચાલે છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લઈને ગરબાના આયોજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે લોકો માત્ર ઘરમાં જ માતાજીનો ગરબો સ્થાપી પૂજા અર્ચના કરી રહ્યાં છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા અટલ કોવિડ સેન્ટરમાં દર્દીઓની માનસિક સ્થિતિ સારી રહે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. દરમિયાન નવરાત્રિ પર્વ નિમિતે અહી માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવી છે. જેમાં દરેક દર્દીઓ, તબીબો અને નર્સિંગ સ્ટાફ સવાર અને સાંજ માતાજીની પૂજા અર્ચના કરે છે અને કોરોનાની મહામારી દૂર થાય છે. દરેક દર્દીઓ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ પૂજા દરમિયાન સરકારની તમામ ગાઈડ લાઈન અને સોશિઅલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો હતો પરંતુ ધીમે ધીમે મૃત્યુ દર ઘટી રહ્યો છે અને રીકવરી રેટ વધી રહ્યો છે ત્યારે લોકોને સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ પણ કરવામાં આવી રહી છે.