દિલ્હી-

છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયામાં પ્રદૂષણ સૌથી મોટો ખતરો બનીને સામે આવ્યું છે. ભારતમાં પણ પ્રદૂષણનો ખતરો વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન બ્રિટિશ કંપની હાઉસફ્રેશે એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં દુનિયાના ૫૦ શહેરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ બીજા નંબર પર છે. એક રિપોર્ટ પ્રમાણે ગાઝિયાબાદમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકઆંક પીએમ ૨.૫નું લેવલ ૧૦૬.૬ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે પીએમ ૨.૫ હવામાં રહેલા કણો વિશે જણાવે છે. પીએમ ૨.૫ સૌથી નાના વાયુ કણોમાંથી એક છે અને આનો આકાર ૨.૫ માઇક્રોમીટરની આસપાસ હોય છે. ચીનના ઝિંજિયાંગ પ્રાંતનું હોટન શહેર સૌથી પ્રદૂશિત શહેરની યાદીમાં પહેલા નંબર પર છે. રિપોર્ટ પ્રમાણે મોટાભાગે રેતીના તોફાનોના કારણે હોટન શહેરમાં પ્રદૂષણનું સ્તર વધારે રહ્યું, જે તક્લામાકન રણની નજીક છે. હાઉસફ્રેશના રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશનું માનિકગંજ દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ત્રીજા નંબર પર છે, જ્યાં પીએમ ૨.૫ની સરેરાશ ૮૦.૨ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું છે.

બાંગ્લાદેશને લઈને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયાભરના વિકાસશીલ દેશોમાં સૌથી ઝડપી આગળ વધી રહેલા આ દેશનું ઔદ્યોગિક ક્ષેત્ર ૧૩ ટકા પ્રતિ વર્ષના દરે વધી રહ્યું છે. ૧૬૫ મિલિયન જનસંખ્યાવાળા આ દેશમાં વાયુ પ્રદૂષણ માટે વાહન અને ઐદ્યોગિક ઉત્સર્જનનું મોટું યોગદાન છે. સ્વિસ એર ક્વોલિટી એક્સપર્ટ એક અન્ય રિપોર્ટ પ્રમાણે સૌથી પ્રદૂષિત ૩૦ શહેરોની યાદીમાં ૨૨ ભારતીય શહેરો સામેલ છે. આમાં બુલંદશહેર, ભિવંડી, નોઇડા, ગ્રેટર નોઇડા, કાનપુર, લખનૌ, દિલ્હી, ફરીદાબાદ અને મેરઠ જેવા શહેરો ટોચના સ્થાને છે.