અમદાવાદ-

માસૂમ બાળકીઓને પડોશમાં રમવા મોકલતા એકલદોકલ છોડતા વાલીઓ માટે ચેતવા જેવા કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે. શહેરમાં માસૂમ બાળકો સાથે બનેલી ચાર-ચાર ઘટનાને પગલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રએ મહિલા સુરક્ષા સાથે હવે માસૂમ બાળકીઓની સુરક્ષા અંગે વિચાર કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરમાં બે દિવસમાં ચાર બાળકીઓ નરાધમોની વાસનાનો ભોગ બની ચુકી છે.

બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી પિતાની અંતિમવિધિ માટે ૧૫ દિવસની રજા પર જેલમાંથી છૂટીને ઘરે આવ્યો હતો. આ નરાધમે દાણીલીમડામાં બે માસૂમ બાળકીને પોતાની હેવાનિયતનો શિકાર બનાવી હતી. શહેરકોટડા વિસ્તારમાં ૭ વર્ષની બાળકી સાથે નરાધમે અડપલાંની ઘટના બની તો પાલડીમાં ૭ વર્ષની બાળકી સાથે સફાઈકર્મીના સગીર પુત્રે અડપલાં કર્યાં હતાં. આ તમામ ઘટનામાં આરોપીઓને પોલીસે ગણતરીનાં કલાકોમાં રાઉન્ડ અપ કરી લીધા હતાં.

દાણીલીમડા વિસ્તારમાં ૬ અને ૭ વર્ષની બે બાળકીઓ ઘર પાસે રમતી હતી. તે સમયે આરોપીએ બંન્ને બાળકીઓને ઢીંગલી અને રૂ.૫ ચોકલેટના આપવાની લાલચ આપી હતી. બન્ને માસૂમને આરોપી અવાવરૂ જગ્યાએ લઈ જઈ આરોપીએ પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. બાળકીઓ સાથે થયેલા કૃત્યની જાણ પરિવારને થતાં પોલીસને જાણ કરી હતી. દાણીલીમડા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આરોપી મોહંમદ રફીક ઉર્ફે કાલુ ઉર્ફે ટાઈમપાસ સફીભાઈ રંગરેજ (ઉં,૩૦) રહે, રજબા શેઠની ચાલી, ઇસનપુરની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં આરોપી મોહંમદ રફીક ૨૦૧૪માં બાળકી પર દુષ્કર્મના કેસમાં ઇસનપુરમાં ૨૦૧૪માં પોકસો એકટ મુજબ પકડાયો હતો. આરોપી મોહંમદ રફીકના પિતા શફીભાઈનું અવસાન થતાં પિતાની અંતિમવિધિ માટે ૧૫ દિવસની રજા પાર જેલમાંથી બહાર આવ્યો હતો. દરમિયાનમાં નરાધમ આરોપીએ કાયદાનો કોઈ ડર ના હોય તેમ બે બાળકીઓને નિશાન બનાવી હતી.

શહેરકોટડા વિસ્તારમાં ૭ વર્ષની બાળકી સાથે આરોપીએ અડપલાં કર્યા હતાં. આ ઘટનામાં બાળકીનું પોલીસે કાઉન્સેલીંગ કરાવ્યું અને ૧૨ કલાકની જહેમત બાદ બાળકી સાથે બનેલી ઘટનાની વિગતો પોલીસને મળી હતી. ફરિયાદ કરતા ડરી રહેલા પરિવારને પોલીસે ગુનો દાખલ કરાવવા માટે હિંમત આપી હતી. શહેરકોટડા પોલીસે પોકસો એકટ મુજબ ગુનો નોંધી આરોપી શાહબાઝસિંગ ભદોરીયાની ધરપકડ કરી હતી. બીજી બાજુ પાલડીમાં એક એપાર્ટમેન્ટમાં ૭ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. આ સમયે એપાર્ટમેન્ટમાં સફાઈકામ માટે આવતી મહિલા સફાઈકર્મીના ૧૭ વર્ષના પુત્રે માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. કિશોરે બાળકીને એકાંતમાં લઈ જઈ તેની સાથે અડપલાં કર્યા હતાં.હેરમાં બે દિવસમાં ચાર-ચાર માસૂમ બાળકીઓ સાથે બનેલી ઘટના સમાજ અને વાલીઓ માટે આંચકારૂપ છે.