વેરાવળ-

ગીરની પ્રખ્યાત કેસર કેરીની સોડમ ગુજરાત અને ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશો સુધી ફેલાયેલી છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે પણ વિશ્વના લોકોનું કેસર કેરી પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું નથી. કોરોના મહામારી વચ્ચે પણ ચાલુ વર્ષે ઈટાલી સહિત યુરોપિયન દેશોમાં ૧૦૦ ટન કેસ કેરીની નિકાસ થવાનો અંદાજ છે. તાજેતરમાં જ તાલાલા ગીરથી ૧૪ ટન કેસર કેરીની ઈટાલીમાં નિકાસ કરવામા આવી છે. આ વર્ષે પ્રથમવાર એરકાર્ગોના બદલે શીપ મારફત નિકાસ કરવામા આવી છે. મુન્દ્રા બંદરેથી દરિયાઈ માર્ગે કેસર કેરીનું કન્ટેઈનર ૨૫ દિવસ બાદ ઈટાલી પહોંચવાનો અંદાજ છે.

તાલાલા મેંગો માર્કેટના સેકેટરી એચ.એચ.જારસાણીયાએ જણાવ્યું હતું કે, ગીરની કેસર કેરીની અમેરિકા અને જાપાનમાં ડીમાન્ડ હોય છે. પરંતુ, આ વર્ષે કોરોના મહામારીના કારણે ટેક્નિકલ કારણોસર આ દેશોમાં કેરીની નિકાસ થઈ શકી નથી. જાે કે, ઈટાલીમાં મોકલાયેલી કેરી ત્યાંના લોકોને પસંદ પડતા માંગ વધી છે. જેથી ૧૦ દિવસ બાદ બીજું કન્ટેઈનર મોકલવાની પણ તૈયારી કરાઈ છે.

ઇટાલીથી ગીરની કેસર કેરીની ડિલિવરી લેવા ગીર પહોંચેલા મુળ યુપીના અલ્હાબાદના વતની અને હાલ ઇટાલીમાં રહી વેપાર કરતા એક્ષપોર્ટર વિજય સહાયે જણાવેલ કે, પ્રથમ વખત ભારત દેશના તાલાલા ગીર વિસ્તારમાંથી દરીયાઇ માર્ગે કેસર કેરી ઇટાલી પહોંચી રહી છે. ગીરની કેસર કેરીની કિંમત ઇટાલી સહિતના યુરોપીયન દેશોમાં ખૂબ વધારે મળે છે. ઇટાલી સહિતના યુરોપીયન દેશોમાં કેસર કેરીની જબરી માંગ છે. ગીરની કેસર કેરીનું સારૂ માર્કેટીંગ કરવામાં આવે તો ઇટાલી સહિતના યુરોપીયન દેશોમાં અંદાજે ૧૦૦ ટનથી વઘુ કેરીની ખપત થઇ શકે તેવું માર્કેટ મળી શકે છે.