વડોદરા

સતપ્રેરણા ટ્રસ્ટ દ્વારા ગીતાજયંતી નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ગીતાના પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતીય શ્રીજીના માર્ગદર્શન હેઠળ સતપ્રેરણા ટ્રસ્ટ દ્વારા ભારતીય સંસ્કૃતિના પાયાના ગ્રંથ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાજીની જન્મજયંતી નિમિત્તે શહેરના વિવિધ સ્થળોએ ગીતાજીના પુસ્તકનું નિઃશુલ્ક વિતરણ કરીને તેમનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. જે વિશે માહિતી આપતાં સતપ્રેરણા ટ્રસ્ટના જયશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાજી માનવમાત્રના સર્વાંગી વિકાસ માટે અમૂલ્ય સ્ત્રોત છે. આજના કોરોનાકાળના સમયમાં જ્યાં માનવ મુશ્કેલ ઘડીથી નિરાશ થઈને આત્મવિશ્વાસ ખોઈ રહ્યો છે ત્યાં શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલી ગીતાજીનું અનુકરણ હિંમત અને આશાના હજારો કિરણ સમાન સાબિત થાય તેમ છે.

સતપ્રેરણા ટ્રસ્ટનો મુખ્ય ઉદ્‌ેશ ભારતીય વ્રત, તહેવારો, ખાણીપીણીની પદ્ધતિ અને ગ્રંથોનું મૂલ્ય વિવિધ કાર્યક્રમો દ્વારા આજની યુવાપેઢી સુધી પહોંચાડી તેમના જીવનનો સર્વાંગી વિકાસ કરવાનો છે. સતપ્રેરણા ટ્રસ્ટ વડોદરા દ્વારા વ્યસનમુક્તિ અભિયાન, નારી સશક્તિકરણ અને ગાય-કૂતરા અને કબૂતર જેવા મૂક પ્રાણીઓની સેવા પણ કરાય છે.