આણંદ : આણંદ નગરપાલિકાની આગામી નવેમ્બર માસમાં ટર્મ પૂર્ણ થઈ રહી છે. સોમવારે આણંદ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભા પાલિકા પ્રમુખ કાંતિભાઇ ચાવડા અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. એવું લાગી રહ્યું છે કે, ચૂંટણી પૂર્વેની સંભવિત આ છેલ્લાં સામાન્ય સભા હતી. નગરમાં ચર્ચા છે કે, છેલ્લી સામાન્ય સભામાં ભાજપની બોડીએ જતાં જતાં આણંદગરાંને ૧ સેકન્ડ રૂ.૨૩,૩૩૩માં આપતાં ગયાં છે! કારણ કે, છેલ્લી સંભવત સામાન્ય સભામાં પાંચ મિનિટમાં રૂ.૭૦ લાખના બિલોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, દર વખતની જેમ આ વખતે પણ ગણતરીની મિનિટોમાં બહુમતીના જાેરે ૩૪ એજન્ડામાં મૂકેલાં ૯૪ કામો મંજૂર કરીને સભા પૂર્ણ કરવામાં આવી હતી. સભામાં જૂનાં રૂ.૭૦ લાખ ઉપંરાતના બિલો મંજૂર કરવામાં આવ્યા હતાં. દર વખતની જેમ કોંગ્રેસના કાઉન્સિલરોએ સભામાં માત્ર ચૂપચાપ બેસી રહેવું પડ્યું હતું. નવાઈની વાત તો એ છે કે, આ વખતે કોંગ્રેસે દર વખતની જેમ સામાન્ય સભામાં હોબાળો પણ મચાવ્યો ન હતો.

આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરમાં આવેલી પીવાનાં પાણીની ૭ ટાંકીમાંથી કેટલીક જર્જરિત ટાંકીઓનાં રીપેરિંગ પાછળ નગરપાલિકાની ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. આણંદ ભાલેજ રોડ જકાતનાકા પાસેના કાંસના પાણીના નિકાલ માટે રોડ નીચેનું ગરનાળંુ સાફ કરવા માટે રૂ.૨.૨૫ લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ રાજમાર્ગ અવકુડા દ્વારા રોડ ક્રોસ કરી પાઇપ નાખવામાં આવી છે, પણ ચેમ્બરો બનાવવામાં આવી ન હોવાથી દર વર્ષે પાઇપ પાસે માટીનો કચરો વગેરે સાફ કરવા માટે રૂ.૪.૨૮ લાખનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એજન્ડાના ૯૪ કામો મંજૂર કરવામાં આવ્યા હતાં. સંભવત છેલ્લી સામાન્ય સભા હોવાથી અગાઉ કરવામાં આવેલાં ખર્ચના બિલ ધનાધન મૂકી દેવામાં આવ્યા હતા.

એજન્ડાના તમામ કામોનો લેખિતમાં વિરોધ

બીજી તરફ દર વખતની જેમ અવાજ ઊઠાવતાં એજન્ડાના તમામ કામોનો બિપીન પટેલે(વકીલ) વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, નગરની જનતાના ખિસ્સામાંથી આવેલાં નાણાંનો દુરુપયોગ સામે મારો સખત વાંધો છે. દર વખતની જેમ આ વખતે પણ અમને વિશ્વાસમાં લીધાં વગર બહુમતીના જાેરે ગણતરીની મિનિટોમાં રૂ.૭૦ લાખના બિલોને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે.