વડોદરા : સમાસાવલી રોડ પર રહેતા આર્મિના નિવૃત્ત લેફ્ટન્ટ કર્નલને ન્યુ સમારોડ પર રહેતા એક ગઠિયાએ વોટ્‌સઅપ કોલ પર કર્નલ તરીકે બોગસ ઓળખ આપીને લેફ.કર્નલની યુએસમાં રહેતી સાળીની સારવાર માટે લેફ.કર્નલ પાસેથી ૭૦ હજાર રૂપિયા યુપીઆઈથી બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈને ઠગાઈ કરતા તેની વિરુધ્ધ નિવૃત્ત આર્મિમેને સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.  

સમાસાવલી રોડ પર ઓઆસીશ ફ્લેટમાં પરિવાર સાથે રહેતા ૬૬ વર્ષીય પુર્વ લેફ્ટનન્ટ કર્નલ વિનોદભાઈ ઈન્દુલાલ ત્રિવેદી હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે. ગત ૮મી મેના બપોરે તેમને એક ગઠિયાએ ફોન કર્યો હતો અને ત્યારબાદ મેસેજ પણ કર્યો હતો જેમાં તેણે પોતાની ઓળખ કર્નલ જેકપ કુરિયન તરીકે આપી હતી અને તે હાલમાં યુએસએમાં છે તેમ જણાવ્યું હતું. તેણે વિનોદભાઈના પુત્ર અને પુત્રીના ખબરઅંતર પુછી તેમને વિશ્વાસમાં લીધા બાદ વિનોદભાઈને મેસેજ મોકલ્યો હતો હતો આપની પત્નીના બેન હાર્ટ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ છે અને તેમને રૂપિયાની જરૂર છે.

ત્યારબાદ ગઠિયાએ તેના બેંકનો એકાઉન્ટ નંબર મોકલતા વિનોદભાઈએ તેમની સાળીની સારવાર માટે ગઠિયાના બેંક એકાઉન્ટમાં તેમના પુત્ર અને પત્નીના એકાઉન્ટમાંથી તબક્કાવાર કુલ ૭૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જાેકે ગઠિયો વધુ નાણાંની માગણી કરતો હોઈ વિનોદભાઈને તેમની સાથે છેતરપિંડી થઈ રહી હોવાની શંકા ગઈ હતી અને તેણે ગઠિયાનો મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતું તે મોબાઈલ રિસિવ કરતો નહોંતો અને માત્ર વોટ્‌સઅપ મેસેજથી વાતચિત કરતો હતો. પોતે છેતરાયા હોવાની ખાત્રી થતા વિનોદભાઈએ સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી હતી. પોલીસે ગઠિયાના બેંક એકાઉન્ટ નંબરની તપાસ કરતા તે એકાઉન્ટ રેસકોર્સ રોડ પર આવેલી સ્મોલ ઈક્વિટસ સ્મોલ ફાયનાન્સ બેન્કનું તેમજ અકાઉન્ટ ધારક રક્ષિત ગૈાતમભાઈ પટેલ (ડી-૩૨, રાજલક્ષ્મી સોસાયટી, ન્યુ સમારોડ)નું હોવાનું સપાટી પર આવ્યું હતું. વિનોદભાઈએ તેની તપાસ કરી હતી પરંતું તે મળી નહી આવતા તેમણે રક્ષિત પટેલ વિરુધ્ધ સમા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.