વડોદરા : શહેરની વિવિધ ખાનગી શાળાઓ દ્વારા નક્કી કરાયેલી ફી કરતાં બેફામ વસૂલાતી ફીને લઈને ફી નિયમન સમિતિની રચના કરવામાં આવી છે. ત્યારે નિર્ધારીત ફી કરતાં ગ્લોબલ ડિસ્કવરી અને સંતકબીર સ્કૂલ દ્વારા વધુ ફી વસૂલાતી હોવાની રજૂઆત થયા બાદ એફઆરસી દ્વારા સુનાવણી બાદ બંને શાળાના ૨૦૭૯ વિદ્યાર્થીઓ પાસે વસૂલવામાં આવેલી વધારાની ૬૩.૧૫ લાખની ફી પરત આપવા હુકમ કરવામાં આવ્યો છે.

ખાનગી શાળાઓ દ્વારા બેફામ વસૂલાતી ફી તેમજ અલગ અલગ એક્ટિવિટીના નામે ઉઘરાવાતી રકમને લઈને અનેક વખત આંદોલનો થયા છે. ત્યારે આ સંદર્ભે દરેક જિલ્લામાં ફી નિયમન સમિતિની રચના કરવામાં આવી છે. વડોદરા ખાતે રચવામાં આવેલી ફી નિયમન સમિતિને શહેરની બે શાળા ગ્લોબલ ડિસ્કવરી અને સંતકબીર સ્કૂલો દ્વારા વધુ ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી.

વધુ ફી ઉઘરાવવા સંદર્ભે મળેલી ફરિયાદ બાદ એફઆરસી દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં એફઆરસી દ્વારા વાલીઓની તરફેણમાં મહત્ત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે જાણકારી આપતા એફઆરસીના સભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલાં ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ હરણી અને સંતકબીર સ્કૂલ વાસણા રોડ દ્વારા નિયત કરતાં વધુ ફી વસૂલાતી હોવાની ફરિયાદ મળી હતી. ત્યાર પછી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૫૧૬ વિદ્યાર્થીઓ પાસેથી લીધેલ વધારાની રૂા.૩૬.૯૯ લાખ અને સંતકબીર સ્કૂલ દ્વારા ૧૫૬૩ વિદ્યાર્થીઓની આખરી ત્રિમાસિક રૂા.૨૬.૧૬ લાખની લીધેલી વધારાની ફી પરત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. વડોદરા પેરેન્ટ્‌સ એસોસિયેશને આ આદેશ અંગે ખુશી વ્યક્ત કરી તમામ શાળાઓની નિર્ધારીત કરાયેલ ફીનું પાલન કરાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.