દિલ્હી-

પાટનગર નવી દિલ્હીના તઘલખ રોડ પર લોધી એેસ્ટેટમાં કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહના બંગલા નંબર ૬૧ પાસે સીઆરપીએફના ઉશ્કેરાયેલા એક જવાને પોતાના ઇન્સપેક્ટરને ગોળી મારીને ઠાર કર્યા હતા. ત્યારબાદ એણે પોતે પણ આત્મહત્યા કરી હતી. ગોળી મારનાર જવાન સબ ઇન્સપેક્ટર કક્ષાનો હોવાની જાણકારી મળી હતી.

ઇન્સપેક્ટર પોતાના રૂમમાં જમી રહ્યા હતા ત્યારે ત્યાં જઇને સબ ઇન્સપેક્ટરે તેમને ગોળી મારી દીધી હતી. ત્યારબાદ પોતે ગાર્ડ રૂમ પાસે ગયો હતો અને ત્યાં પોતાને ગોળી મારી હતી. બંને ઑફિસર મરણ પામ્યા હતા. સબ ઇન્સપેક્ટર જમ્મુ કશ્મીરનો રહેવાસી હતો અને ઇન્સપેક્ટર હરિયાણાનો હતો. બંને બંગલા નંબર ૬૧ પર ફરજ બજાવતા હતા અને બંગલાના ગાર્ડ ક્વાર્ટરમાં સાથે રહેતા હતા.

તપાસ કરનારી પોલીસ ટુકડીએ જણાવ્યું હતું કે અમે શુક્રવારે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ એવો સંદેશો મળ્યો હતો કે લોધી એસ્ટેટના બંગલા નંબર ૬૧ પાસે કેટલાક રાઉન્ડ ફાયરીંગ થયું હતું. અમે ત્યાં ધસી જઇને જાેયું તો ઇન્સપેક્ટર અને સબ ઇન્સપેક્ટર બંને મરેલા પડ્યા હતા. હવે દિલ્હી પોલીસ આવું કેમ બન્યું એની તપાસ કરી રહી હતી. છેલ્લા થોડા સમયથી સિક્્યોરિટી દળોમાં ડિપ્રેશન અને હાઇપર ટેન્શનની ઘટનાઓ વધી રહી હતી. કોરોનાના કારણે પોલીસ અને સીઆરપીએફ જેવાં દળોમાં આત્મહત્યાની કે હત્યાની ઘટનાઓ વધી રહી હતી. આ અંગે મનોવિજ્ઞાનીઓએ તપાસ કરવી ઘટે એવું કહેવાય છે.