વડોદરા : આગામી તા.રપમીએ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ શેખ બાબુ હત્યા પ્રકરણની ચાર્જશીટ હાઈકોર્ટમાં રજૂ કરવાની છે ત્યારે એની તૈયારીના ભાગરૂપે એક ટીમ તેલંગાણાના કામારેડ્ડી ખાતે પહોંચી હતી અને મૃતક શેખ બાબુની પત્ની, પુત્ર, ભાઈ અને ફતેગંજ પોલીસ જ્યારે શેખ બાબુને લઈ ગયેલી એ વખતે સાથે રહેલા જમાઈનું નિવેદન લીધું હતું, એ ઉપરાંત પુત્ર સલીમ શેખને ડીએનએ સેમ્પલ માટે આગામી દિવસોમાં ગાંધીનગર પહોંચવા સૂચના આપી હતી. 

શહેરના ફતેગંજ પોલીસ મથકમાં જ હત્યા કરી દેવાઈ હોવાનું મનાતા શેખ બાબુના ચકચારી પ્રકરણમાં વધુ સુનાવણી ર૪મી તારીખે યોજાશે, એ પહેલાં અદાલતે હેબિયર્સ કોપર્સની સુનાવણીમાં મૃતકના પરિવારને વળતર આપવાની વાતનો સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો હતો. જ્યારે સીઆઈડી ક્રાઈમ શનિવારે શેખ બાબુના વતનના ગામ કામારેડ્ડી-તેલંગાણા જશે એવી માહિતી પ્રાપ્ત થઈ હતી.

સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તેલંગાણાના કામારેડ્ડી ખાતે જઈ મૃતક શેખ બાબુની પત્ની આબેદા બેગમ, ભાઈ ઈબ્રાહિમ ખાન અને પુત્ર સલીમનું નિવેદન લેતાં અગાઉ હિન્દી ભાષામાં સમજણ આપી હતી. જેની ઉપર એન.આર.મકવાણા, ડિટેક્ટિવ પોલીસ ઈન્સ્પેકટર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ ગાંધીનગરની સહી સાથેના નિવેદનની કોપી મૃતક શેખ બાબુના પરિવારને આપવામાં આવી હતી.

સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ છ આરોપીઓ પૈકી એકપણ પાસેથી શેખ બાબુના મૃતદેહને ક્યાં અને કેવી રીતે સગેવગે કરાયો એની કોઈ જ પ્રકારની જાણકારી મેળવી નહીં શકતાં મૃતક શેખ બાબુના પરિવારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની તપાસ સામે નારાજગી વ્યક્ત કરી મારા પિતાના મૃતદેહ સાથે શું થયું એવું જાણવાનો પુત્ર તરીકે મારો અધિકાર હોવાનું જણાવી વકીલ મારફતે આ મામલામાં સીબીઆઈ કે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટીવ ટીમ (સીટ)ની રચનાની માગ અદાલત સમક્ષ કરી છે.અગાઉ હાઈકોર્ટે પણ સીબીઆઈની તપાસ અંગે અસંતોષ જાહેર કરી ઉચ્ચ અધિકારીનો ઉધડો લીધો હતો અને તપાસનો વિગતવાર અહેવાલ માગ્યા બાદ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે બે વાર શહેર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં, મહી કોતરોમાં અન્ય વિભાગોની મદદ મેળવી મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ સફળતા મળી ન હતી.બીજી તરફ આરોપીઓએ નાર્કોટેસ્ટ કે લાઈવડિટેક્ટર ટેસ્ટ આપવાનો ઈન્કાર કરી દીધો હોવાનું સીઆઈડીએ હાઈકોર્ટને જણાવ્યું છે ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે શેખ બાબુનો મૃતદેહ ગયો ક્યાં? જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારી કર્મચારી દ્વારા આવા ટેસ્ટનો ઈન્કાર કરી શકાય નહીં તેમ છતાં કર્યો છે, તો અદાલત એની ગંભીર નોંધ લઈ આરોપીઓ તપાસમાં સહકાર આપવા તૈયાર નથી એમ માનશે એવું જાણવા મળ્યું છે. જ્યારે આ કેસની પ્રથમ દિવસથી જ તપાસ કરતાં એસીબી લેવલના અધિકારીએ ઘટના સાથે સંકળાયેલા અનેક લોકોના નિવેદન લીધા હતા ત્યાર બાદ શેખ બાબુની હત્યા થઈ હોવાનું તારણ નીકળ્યું હતું તેમ છતાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એ અધિકારીનું નિવેદન પણ નહીં લેવાયું હોવાનું કહેવાય છે. તપાસમાં આવી અનેક ત્રુટિઓ અંગે પુત્ર સલીમ દ્વારા હાઈકોર્ટનું ધ્યાન દોરી સીબીઆઈ તપાસની માગ કરશે એમ જાણવા મળ્યું છે જેનો ફેંસલો આગામી ર૪મીએ આવશે અને આ કેસની ચાર્જશીટ પણ ત્યાં સુધીમાં તૈયાર કરી રપમીએ મુકાશે એવું જાણવા મળ્યું છે.