વડોદરા, તા.૨ 

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસના દિવસે તા.૪મીએ શહેરના સુરસાગર તળાવમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની વિરાટ પ્રતિમાને ચારે વેદોના બ્રાહ્મણો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર સાથે શીવજીના પૂજન બાદ સોનાનો ઢોળ ચઢાવવાના કાર્યનો પ્રારંભ થશે.

શહેરની મધ્યમાં આવેલ સુરસાગરની મધ્યમાં સ્થાપના કરાયેલ ૧૧૧ ફુટની સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સોનાનો ઢોળ ચઢાવવાના કાર્યનો તા.પાંચમીએ ચાર વેદોના બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શીવજીનું પૂજન કરવામાં આવશે. ત્યાર બાદ કામગીરીનો પ્રારંભ કરાશે. પ્રથમ તબક્કે ૧૧૧ ફુટની ઉંચી શીવજીની પ્રતિમાને ફરતે પાલખ બાંધવામાં આવશે જે એક સપ્તાહમાં બંધાયા બાદ પ્રતિમાની સફાઇની કામગીરી ચાર મહિના ચાલશે. ત્યાર બાદ સોનાનો ઢોળ ચઢાવવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે.

આશરે રૂા.૨૦ કરોડના આ પ્રોજેક્ટ માટે અનેક દાતાઓએ સુવર્ણ દાનનો સંકલ્પ કર્યો છે. દેશમાં ૧૧૧ ફુટની વિશાળ પ્રતિમાને સોનાનો ઢોળ ચઢાવવાતો આ પ્રથમ પ્રોજેક્ટ છે. આ માટે વિશેષ કારીઓ દ્વારા કામગીરી કરાશે. સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફુટ ઉંચી પ્રતિમાને સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરી માટે સાધન સામગ્રી અને વસ્તુઓ લઇ જવા માટે મોટો તરાપો ઉપરાંત રબર બોટોનો ઉપયોગ કરાશે.