નડિયાદ : ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલ ખાતે ૭મી માર્ચ અને રવિવારના રોજ સુવર્ણ જ્યંતી રવિસભા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડતાલ પીઠાધીપતિ રાકેશપ્રસાદ મહારાજના અધ્યક્ષસ્થાને મંદિરના સભા મંડપમાં આ રવિસભા યોજાશેે. આ દરમિયાન દરિદ્રનારાયણને ૫૦ હજાર જાેડી ચપ્પલનું વિતરણ કરવામાં આવશે.

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ૭મી માર્ચ રવિવારના રોજ સુવર્ણ જ્યંતી રવિસભાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે સંપ્રદાયના વરિષ્ઠ સંતો, મહંતો, સહિત હજારો હરિભક્તો ઉપસ્થિત રહેશે. નાસિક સ્વામી મંદિરથી પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામી ૨૫૦૦ કિલો દ્રાક્ષ વડતાલ ખાતે મોકલશે. જે સુવર્ણ જ્યંતી રવિસભા પ્રસંગે વડતાલમાં બિરાજતા દેવોને ૨૫૦૦ કિલો દ્રાક્ષના વાઘા તથા અન્નકૂટ ધરાવવામાં આવશે. આ ઉપરાંત ૫૦ હજાર જાેડી ચપ્પલનું દરિદ્રનારાયણો તથા જરૂરીયાતમંદોને વિતરણ કરવામાં આવશે. આ ચપ્પલ વિતરણ સમારોહમાં મેતપુર સ્વામિનારાયણ મંદિર, નાર સ્વામિનારાયણ ગુરૂકુળ, એસજીવીપી ગુરૂકુળ અમદાવાદ, પીજ સ્વામિનારાયણ મંદિર, ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર તથા કલાલી સ્વામિનારાયણ મંદિરનો સહયોગ પ્રાપ્ત થયો છે.

સુવર્ણ જ્યંતી રવિસભા મહોત્સવની માહિતી આપતા ડો.વલ્લભસ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી દર માસના પ્રથમ રવિવારે રવિસભા યોજાય છે. આગામી ૭મી માર્ચે યોજાનાર ૫૦મી રવિસભા સુવર્ણ જ્યંતી રવિસભામાં વડતાલ મંદિરના સભામંડપમાં આચાર્ય મહારાજના અધ્યક્ષસ્થાને યોજાશે, જેમાં સંપ્રદાયના વરિષ્ઠ સંતો, મહંતો, તથા હરિભક્તો ઉપસ્થિત રહેશે. સ્વામિનારાયણ ભગવાનના સર્વજીવ હિતાવહના સંદેશ અનુસાર આગામી ઉનાળામાં દરિદ્રનારાયણ તથા જરૂરીયાતમંદોને ૫૦ હજાર જાેડી ચપ્પલ વિતરણ કરવામાં આવશે. આ સુવર્ણ જ્યંતી મહોત્સવ પ્રસંગે ૨૫૦૦ કિલો દ્રાક્ષના ભગવાનને શણગાર ધરાવવામાં આવશે તથા ભવ્ય અન્નકૂટ ધરાવાશે. પ્રસાદ હરિભક્તો, જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવશે.

આ રવિસભામાં સંપ્રદાયના શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહેશે. વડોદરા, અમદાવાદ, ભરૂચ, વિદ્યાનગર, આણંદ, નડિયાદના હરિભક્તો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ખેડા અને આણંદ જિલ્લાના રાજકીય મહાનુભાવો તથા પધાધિકારીઓ હાજર રહેશે.