અમદાવાદ-

કોરોનામાં જ્યાં સરકારી ભરતીઓમાં કાપની ચર્ચાઓ ઉઠી છે ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ-જીપીએસસી દ્વારા કલાસ 1-2 અને 3ની નવી 1203 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામા આવી છે. જીપીએસસી દ્વારા મુલ્કી સેવાઓ અંતર્ગત નાયબ જિલ્લા કલેકટર-નાયબ જિલ્લા વિકાસ અધિકારીની 15, નાયબ પોલીસ અધિક્ષકની 20, જિલ્લા નાયબ રજિસ્ટ્રારની 3, મદદનીશ રાજ્યવેરા કમિશ્નરની 38, નાયબ નિયામક (અનુ.જાતિ કલ્યાણ)ની-1 સહિત કલાસ-1ની 77 જગ્યાઓ માટે તથા વર્ગ -2ની 123 જગ્યાઓ માટે તથા અન્ય કચેરીઓ-સંસ્થાઓ અને વિભાગોમાં વર્ગ 1-2 અને વર્ગ -3ની મળીને એક હજારથી વધુ જગ્યાઓ છે. 

કુલ મળીને કલાસ 1થી3માં 1203 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામા આવી છે. ઓનલાઈન અરજી 10 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી થઈ શકશે. પ્રિલિમ લેખિત પરીક્ષા 2021ના વર્ષમાં 21મી માર્ચે લેવાશે અને જેનું પરિણામ મેમાં જાહેર થશે જ્યારે 18 જુલાઈએ મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ ઓક્ટોબરમાં જાહેર થશે. ત્યારબાદ ઈન્ટરવ્યુ થશે અને આખરી પરિણામ-સીલેકશન લિસ્ટ 30 નવે.2021 સુધીમાં જાહેર કરાશે. સતત ચોથા વર્ષે કલાસ 1 અને 2ની ભરતી પ્રક્રિયા જાહેરાત કરવામા આવી છે.