દિલ્હી-

Google Pixel 5a 5G સ્માર્ટફોન ટૂંક સમયમાં માર્કેટમાં લોન્ચ થઇ શકે છે. ગયા મહિને આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ ફોનને કંપની 11 જૂને લોન્ચ કરી શકે છે. અફવાઓની માનીએ તો આ ફોન દેખાવમાં ઘણી હદ સુધી ગયા વર્ષે લોન્ચ થયેલા Google Pixel 4a 5G જેવો હશે. Pixel 5a 5G વિશે 9to5 Googleએ લેટેસ્ટ જાણકારી આપતા કહ્યું કે આ ફોન સ્નેપડ્રેગન 765G SoC પ્રોસેસર સાથે આવશે.

રિપોર્ટ અનુસાર એન્ડ્રોઇડ 12 ડેવલપર પ્રિવ્યુ 3ની લેટેસ્ટ રિલીઝ મુજબ Barbet કોડનેમનું એક ડિવાઇસ મોડલ નંબર 'sm7250' સાથે જોવામાં આવ્યું છે. છેલ્લા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અપકમિંગ Pixel 5a 5G સ્માર્ટફોનનું કોડનેમ જ Barbet છે અને sm7250 મોડેલ નંબર સ્નેપડ્રેગન 765G ચિપસેટ છે.

ગૂગલે આ પહેલા સ્નેપડ્રેગન 765G ચિપને ગૂગલ પિક્સેલ 5 અને ગૂગલ પિક્સેલ 4a 5Gમાં ઉપલબ્ધ કરી હતી. આ રિપોર્ટમાં પિક્સેલ 5a 5Gના બીજા સ્પેસિફિકેશન વિશે અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ગૂગલ પિક્સેલ 5a 5Gને કંપની શરૂઆતમાં અમેરિકા અને જાપાનમાં જ રજૂ કરશે. પિક્સેલ 5aનું 4G વેરિએન્ટ આવશે કે નહીં તે વિશે હાલમાં કંઇ કહી શકાય નહીં.

અપેક્ષા રાખવામાં આવે છે કે કંપની આ ફોનને ભારતમાં પણ લોન્ચ કરશે. હાલમાં આ સ્માર્ટફોન બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS પર જોવા મળ્યો હતો. ભારતમાં હજુ 5G નેટવર્કની શરૂઆત થઇ નથી. આવામાં બની શકે કે કંપની ભારતમાં આ ફોનના 4G વેરિએન્ટને જ લોન્ચ કરશે. ફોનના ફીચર્સની વાત કરીએ તો લીક રિપોર્ટ અનુસાર તેમાં પંચ-હોલ ડિઝાઇન સાથે 6.2 ઇંચની ફુલ એચડી + OLED પેનલ આપવામાં આવશે. ફોનના રિયરમાં સ્ક્વેર શેપ કેમેરા મોડ્યુલમાં એલઇડી ફ્લેશ સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત બેક પેનલ પર નોર્મલ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવી શકે છે.