વડોદરા : ગૂગલ મેપમાં સર્ચ કરી ચોક્કસ જગ્યાને નિશાન બનાવી મોટી રકમના મુદ્‌ામાલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આઈશર ટેમ્પો ભાડે કરી છેક મુંબઈ સુધી જઈ માત્ર ગુટખા, પાન-મસાલા, બીડી-સિગારેટ, તમાકુના ગોડાઉનને જ ટાર્ગેટ બનાવતી આ ટોળકીને ક્રાઈમ બ્રાન્ચની પોલીસે ઝડપી પાડી ૧૫ લાખની કિંમતનો મુદ્‌ામાલ પણ જપ્ત કર્યો છે. ટોળકીના સભ્યો અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયોલ હોવાની માહિતી પણ બહાર આવી છે. શહેર નજીકથી પસાર થતા ને.હા. ઉપર દુમાડ નજીક બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પસાર થતા આઈશર ટેમ્પોને અટકાવી તપાસ કરતાં ગેંગ બનાવી રાજ્યના અલગ અલગ જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાં જઈ ઘરફોડ ચોરીઓ કરનારા ઝડપાયા હતા. ટેમ્પોની અંદર જુદા જુદા સ્થળો ઉપર ગોડાઉન તોડી કરેલી ઘરફોડ ચોરીના મુદ્‌ામાલનો જથ્થો અને ચોરી કરવાના સાધનો પણ ઝડપાયા હતા. પૂછપરછ દરમિયાન ઝડપાયેલા પાંચ ઈસમોએ ચોંકાવનારી કબૂલાતો કરી હતી જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા આ ઈસમોએ ગેંગ બનાવી ઘરફોડ ચોરીઓ કરવા માટે આઈશર ટેમ્પો ભાડેથી મેળવી મોબાઈલ ફોનમાં ગૂગલ મેપની મદદથી જુદા જુદા જિલ્લાઓમાં પહોંચી જઈ તમાકુના ગોડાઉનનું સર્ચ કરતા હતા. ગોડાઉનની રેકી કરી રાત્રિના સમયે કટર, ગણેશીયા વડે ગોડાઉનના શટર તોડી ઊંચું કરી ગોડાઉનમાંથી તમાકુ, પાન-મસાલા, બીડી-સિગારેટની ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ચોરટોળકી સાથે ઝડપાયેલા ટેમ્પોની તપાસ કરતાં વિમલ ગુટખા, બાગબાન તમાકુના બોક્સ, રજનીગંધા, પાન-મસાલા, જુદી જુદી કંપનીની બીડી-સિગારેટના પેકેટો મળી કુલ રૂા.૯ લાખ ઉપરાંતનો મુદ્‌ામાલ જપ્ત કર્યો હતો, જ્યારે સાત મોબાઈલ ફોન, એક કટર, બે ગણેશીયા અને આઈશર ટેમ્પો મળી કુલ રૂા. ૧૪,૮૮,૭૦૦નો મુદ્‌ામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી

હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ અને ગુનાનો વિગતો

મહાવીરસિંહ જાેહરસિંહ રાઠોડ (ઉં.વ.૩૩, રહે. કાશીમીરા રોડ, મુંબઈ, મૂળ રહે. દેસુરી રાને, પાલી-રાજસ્થાન) જેની વિરુદ્ધ મુંબઈ ડીંડોસી પોલીસ સ્ટેશન, કાંદીવલી પો.સ્ટે., ભાડૂપ પોલીસ સ્ટેશન, નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. ધર્મેશ ઉર્ફે ધમો જયસુખભાઈ સીરોયા (ઉં.વ.ર૩, પ્રમુખછાયા સોસાયટી, સરથાણ, સુરત, મૂળ રહે. કમી કેરાલા, તા.ધારી, જિ.અમરેલી) જેની વિરુદ્ધ એલિસબ્રિજ-અમદાવાદ પોલીસ સ્ટેશન, સેટેલાઈટ પોલીસ સ્ટેશન, નવરંગપુરા પોલીસ સ્ટેશન, પાલડી પોલીસ સ્ટેશન,, સલાબતપુરા પોલીસ સ્ટેશન, વરાછા પોલીસ સ્ટેશન, વાસદ પોલીસ સ્ટેશન, મુંબઈ-થાણા પોલીસ સ્ટેશન, મુંબઈ-કુલીનજી પોલીસ સ્ટેશન, મુંબઈ-નવધર પોલીસ સ્ટેશન અને મુંબઈ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. રામુ છોટેલાલ નિશાદ (ઉં.વ.૩૭, રહે. કડોદરા, નિલમ હોટલ પાછળ, શાંતિનગર, સુરત, મૂળ કાનપુર બેનકી પોસ્ટ, ચોડાગર, યુ.પી.) જેની વિરુદ્ધ પણ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. અજય સત્યશ્રી મિશ્રા (ઉં.વ. ૨૭, રહે. શાંતિનગર, કડોદરા-સુરત, મૂળ રહે. લમકાણા શિવહોરા, જબલપુર-મધ્યપ્રદેશ)ની વિરુદ્ધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે જગદીશ તુલસીરામ ચૌધરી (ઉં.વ.રપ, રહે. રબારી કોલોની, નારોલ-અમદાવાદ, મૂળ રહે. એલઆઈસી ઓફિસી સામે, જાવરા, રતલામ-મધ્યપ્રદેશ) જેની વિરુદ્ધ અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનોમાં પણ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે.