વડોદરા : ગોરવા બીઆઈડીસીમાં આવેલા એક ખાનગી કંપનીમાં ગત મધરાતે સ્પોર્ટસ સાયકલ પર ખાખી વર્દી વિના એકલા જ આવી પહોંચેલા ગોરવા પોલીસ મથકના પીએસઆઈ બી એચ રાખોલિયાએ કંપનીના સિક્યુરીટી ગાર્ડસ સાથે રકઝક કર્યા બાદ કંપનીમાં ઘુસીને તપાસના બહાને ફરીને કંપનીની તૈયાર પ્રોડક્સની હાથમોજા વિના ચકાસણી કરતા પીએસઆઈની આવી શંકાસ્પદ કાર્યવાહીએ અનેક પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. પીએસઆઈએ મોડી રાત્રે આ રીતે કરેલી શંકાસ્પદ કાર્યવાહી સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં ઉધોગજગતમાં પીએસઆઈની આવી કાર્યવાહીની પણ ભારે ટીકાઓ થઈ છે.  

ગોરવા પોલીસ મથકના પીએસઆઈ ડી એચ રાખોલિયા હાલમાં સહયોગ પોલીસ ચોકી પર બેસે છે. ગઈ કાલે રાત્રે આશરે ત્રણ વાગ્યાના અરસામાં તે પોલીસ વર્દીના બદલે બ્લ્યુ જીન્સ પેન્ટ અન ડિઝાઈનવાળું ડાર્કબ્લ્યુ શર્ટ પહેરીને સ્પોર્ટસ સાયકલ પર ગોરવા બીઆઈડીસીમાં ગયા હતા. બીઆઈડીસીમાં હાયજેનિક ચીજવસ્તુઓ બનાવતી એક વિશાળ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલુ હોઈ પીએસઆઈએ સાયકલ સાથે કંપનીમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે કંપનીના મેઈનગેટ પર હાજર સિક્યુરીટી ગાર્ડસે તેમને અંદર જતા અટકાવ્યા હતા અને કંપનીમાં અંદર ઘુસવા માટે સંબંધિત અધિકારીની મંજુરી જરુૃરી છે તેમજ હાલમાં કોરોનાના કારણે લાગુ કરાયેલા નિયમોનું પાલન કરવું જરૂરી છે તેમ જણાવ્યું હતું. જાેકે પીએસઆઈ રાખોલિયાએ હું ગોરવા પોલીસ મથકનો પીએસઆઈ છું અને તપાસ માટે ગમે ત્યાં જઈ શકુ છું તેમ જણાવી કંપનીમાં ઘુસીને સાયકલ રોડની વચ્ચે મુકી હતી. ત્યારબાદ તે સમગ્ર કંપનીમાં ફર્યા હતા અને હાથમોજા પહેર્યા વિના કંપનીની પ્રોડક્ટસની પણ હાથમાં પકડીને ચકાસણી કરી હતી અને ત્યારબાદ તે રવાના થયા હતા.જાેકે પીએસઆઈ રાખોલિયાએ આ રીતે મધરાત્રે કંપનીમાં ઘુસીને અચાનક કરેલી તપાસ અંગે સિક્યોરીટી ગાર્ડસે ઉપરી અધિકારીઓને જાણ કરતા તેની કંપનીના સંચાલકોને પણ જાણ કરાઈ હતી જેથી તેઓ પણ પોલીસની આવી કાર્યવાહીથી ચોંકી ઉઠ્યા હતા. જાેકે આ સમગ્ર વિવાદ અંગે કંપનીના સંચાલકોએ કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો પરંતુ આ બનાવ શહેર-જિલ્લાના ઉદ્યોગજગતમાં આજે ટીકાનો વિષય બન્યો હતો.

મધરાતે વિશાળ કંપનીમાં એકલા જ ચેકિંગ માટે જવાનો આશય શું ?

પીએસઆઈ રાખોલિયા જે કંપનીમાં ઘુસ્યા હતા તે કંપનીમાં તમામ નિયમોના પાલન સાથે કામગીરી થાય છે . આ કંપનીમાં એવી તો શું કામગીરી થતી હોવાની શંકા હતી કે વિગતો મળી હતી કે પીએસઆઈ ફિલ્મી હિરોની જેમ મધરાતે તે પણ યુનિફોર્મ, હથિયાર કે સ્ટાફ વિના જ એકલા કંપનીમાં તપાસ માટે ઘુસી ગયા ?જાે કોઈ બાતમી હતી તો પછી ઉપરી અધિકારીઓને જાણ કરી હતી કે તેઓની પુર્વમંજુરી મેળવી હતી ? અને આ રીતે એકલા જ તપાસ માટે જવા પાછળનો આશય શું હતો ? તે મુદ્દો પોલીસ અધિકારીઓ માટે પણ તપાસનો વિષય બન્યો છે.

પોસઈએ આ રીતે અનેક કંપનીમાં ચેકિંગ કર્યું છે

પીએસઆઈ રાખોલિયાએ અત્યાર સુધી તેમના તાબા હેઠળના વિસ્તારની અનેક કંપનીઓમાં ‘ચેકીંગ’ કર્યાનું કહેવાય છે તો હવે પ્રશ્ન એ થાય છે કે તેમને હજુ સુધી શું કોઈ એક પણ કંપનીમાં કામદારોની સુરક્ષાના કે કંપની એક્ટના નિયમોના ભંગ થતો જાેવા નથી મળ્યો ?. આ વાત જાણકારોના ગળે ઉતરતી નથી અને તેમની આવી કામગીરીએ પણ અનેક શંકાઓ ઉભી કરી છે.

તપાસ અંગે ગોરવા પોલીસ સ્ટેશનની ડાયરીમાં કેમ કોઈ સત્તાવાર નોંધ કરાવી નથી ?

સામાન્ય રીતે નાઈટ ડ્યુટી દરમિયાન પીઆઈ, પીએસઆઈ કે અન્ય સ્ટાફ જાે કોઈ કામગીરી કરે કે પોલીસ જવાનોની હાજરીના પોઈન્ટ ચેક કરે કે બાતમીના પગલે કોઈ સ્થળે દરોડો પાડે કે તપાસ કરે તો તેની સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવતા હોય છે. ગઈ કાલે રાત્રે પીએસઆઈ રાખોલિયાને જાે કોઈ બાતમી હતી અથવા તો માત્ર તપાસ માટે પણ કંપનીમાં ગયા હતા તો તેની ગોરવા પોલીસ મથકની સ્ટેશન ડાયરીમાં કેમ કોઈ સત્તાવાર નોંધ નથી કરાવી ? તેમની આવી કામગીરીએ પણ સવાલો ઉભા કર્યા છે.