વડોદરા,તા.૧૫ 

વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી જારી રહેવા પામી હતી. જેના ભાગરૂપે પાલિકાની દબાણ શાખાની ટુકડીઓએ શહેરના ગોત્રી -સેવાસી માર્ગ પર આવેલ પાલિકા દ્વારા વેચાણ કરાયેલ કોમર્શિયલ પ્લોટ પરના દબાણને જેસીબી અને અન્ય સાધનોથી તોડી પાડીને ખુલ્લો કર્યો હતો. પાલિકા દ્વારા આ પ્લોટ ખુલ્લો કરીને એનો કબ્જો હરાજીમાં પ્લોટ ખરીદનારને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, આ પ્લોટ પર કેન્દ્ર સરકારના કોમ્યુનિકેશન વિભાગ હસ્તકના ભારતીય સંચાર નિગમ લિમિટેડ- બીએસએનએલ દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી. જેને લઈને આ પ્લોટને રાજકીય સોદાબાજી કરીને ખાડે ગયેલ બીએસએનએલ પાસેથી આંચકી લેવામાં આવ્યો હોય એવું એની કામગીરી દરમ્યાન ઉપસ્થિતોમાં ચર્ચાતું હતું. એવી પણ ચર્ચા હતી કે, કેન્દ્ર હસ્તકની બીએસએનએલ ક્યારેય કોઈ ગેરકાયદેસર બાંધકામ કરે નહિ. તો પછીથી આ જગ્યાએ બીએસએનએલની કમ્પાઉન્ડ વોલ આવી કેવી રીતે? એવો પ્રશ્ન પણ અંદરો અંદર પૂછાતો જોવા મળ્યો હતો. પાલિકાની દબાણ શાખાની ટુકડી દ્વારા પાલિકાએ હરાજીમાં વેચાણ આપેલ આ કોમર્શિયલ પ્લોટમાં થયેલ અન્ય નાના મોટા ગેરકાયદેસર દબાણો તેમજ એમાં રહેલા ઝાડીઝાખરાને પણ દૂર કરીને પ્લોટને ખુલ્લો કરી આપ્યો હતો. આ પ્લોટ પ્રારંભિક ટી.પી.-૬૦ ના ફાયનલ પ્લોટ નંબર ૧૯૯/૧-૨ નો વાણિજ્ય હેતુ માટેનો હતો. જેમાં અંદાજે સો મીટર જેટલી એટલેકે ત્રણસો ફૂટ જેટલી લાંબી બીએસએનએલની પાકી દીવાલ હતી. આટલી મોટી લાખોના ખર્ચે બીએસએનએલ ગેરકાયદેસર દીવાલ બનાવે નહિ. એવી ચર્ચાને લઈને આ સમગ્ર કોમર્શિયલ પ્લોટના વેચાણની પ્રક્રિયા માટે પાલિકાના શાસકો શંકાના ઘેરાવામાં ચર્ચાના કેન્દ્ર સ્થાને હતા. આ ઉપરાંત આ જગ્યા પર ૪૦ મીટરની એટલેકે અંદાજે ૧૨૦ ફૂટ જેટલી પટરાણી વાળ હતી. એ સિવાય શૌચાલય, સ્ટોર રૂમ વગેરે પણ બનાવવામાં આવ્યા હતા. એ સિવાય દબાણ શાખા દ્વારા આ પ્લોટ પર રહેલ ઝાડીઝાખરા અને પરચુરણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.