વડોદરા

શહેરના ગોત્રી-નારાયણ ગાર્ડન રોડ પર આજે વહેલી સવારે ખૂલ્લી વરસાદી કાંસમાં ધડાકા સાથે કાર ખાબકી હતી. જાે કે, સદ્‌નસીબે કારચાલકનો અદ્‌ભુત બચાવ થયો હતો. ચોમાસામાં છલોછલ પાણીથી ભરાતી આ કાંસ પર સ્લેબ ભરીને બંધ કરવા માટેની કામગીરીનું ખાત મુહૂર્ત નવેમ્બર, ૨૦૧૯માં કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ નક્કર કામગીરી શરૂ નહીં કરાતાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.

ગોત્રી નારાયણ ગાર્ડન લક્ષ્મીપુરા રોડ વચ્ચે આવેલા દર્શનમ્‌ એપાર્ટમેન્ટમાં રહેતા મહિપાલસિંહ આજે વહેલી સવારે કાર લઈને અમદાવાદ જવા નીકળ્યા હતા, તે દરમિયાન રોડ પર આખલાઓ બાખડતા હોઈ તેને કારણે કારને સાઈડમાંથી કાઢવા જતાં કાર ધડાકાભેર ખૂલ્લી વરસાદી કાંસમાં ખાબકી હતી. ધડાકો સાંભળીને આસપાસના સિકયુરિટી ગાર્ડ અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને કારચાલકને માંડ માંડ બહાર કાઢયો હતો, જેથી કારચાલકનો બચાવ થયો હતો.

આ અંગેની જાણ વડીવાડી ફાયર બ્રિગેડન કરવામાં આવતાં લાશ્કરો તરત જ દોડી આવ્યા હતા અને ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં આ કાંસમાં છલોછલ પાણી વહેતા હોય છે. ત્યારે મોતના કૂવા સમાન આ કાંસ પર ૭૦ લાખના ખર્ચે સ્લેબ ભરવાની કામગીરીનું ખાતમુહૂર્ત તા.ર૭મી નવેમ્બર, ૨૦૧૯ના રોજ કરવામાં આવ્યું હતું. આ કામગીરી ૯ મહિનામાં પૂરી થઈ જશે તેવી ખાતરી ભાજપાના શાસકો દ્વારા આપવામાં આવી હતી પરંતુ ખાતમુહૂર્ત બાદ નક્કર કામગીરી શરૂ નહીં કરાતાં ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો હતો.