ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસના કેસોએ ભરડો લીધો છે, ત્યારે રાજ્યમાં આગામી સમયમાં આવનાર રંગોના પર્વ એવા હોળી-ધૂળેટીનાં આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે. પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્યભરમાં રંગોત્સવ એવા ધૂળેટી પર્વની ઊજવણી ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યુ હતું કે, ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની કોરગ્રૂપની મીટિંગમાં રાજ્યમાં હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણીને લઈને આ ર્નિણય કરવામાં આવ્યો છે. જેમાં ધાર્મિક રીતે ઊજવણી કરવા માટે ‘હોળી દહન’ માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ ધૂળેટીના દિવસે ‘હોળી’ રમવાની છૂટ આપવામાં નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલાં માટે હોળી રમશે નહીં. જાે કે ધાર્મિક રીતે ‘હોળી દહન’ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ નિયમોનું રાજ્યના બધાં જ નાગરિકો પાલન કરશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે અત્યારે કેટલાક શહેરોમાં જુદા જુદા પ્રકારના સ્ટ્રેઇન જાેવા મળી રહ્યા છે. પરંતુ સદનસીબે જે ઇંગ્લેન્ડનો સ્ટ્રેન ખૂબ ફેલાવે એવી ચિંતા હતી, જાે કે, તેવા ચિંતાકારક કોઈ સ્ટ્રેન હોય તેવુ માલુમ પડ્યું નથી. ક્રિકેટના કારણે સંક્રમણ ફેલાયું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે સંક્રમણ ફેલાયું તેવું કહેવું તે ઉચિત નથી. કારણ કે, એવું હોત તો મહારાષ્ટ્રમાં ચૂંટણી નથી, ક્રિકેટ મેચ પણ નથી, છતાં દેશના ૫૦ ટકા કરતાં વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવે છે. અગાઉ જે કોરોનાના ગંભીર કેસ આવતા હતા, એવા ગંભીર કેસ હાલમાં રાજ્યમાં નોંધાઈ રહ્યા નથી. હાલ રાજ્યમાં પ્રાથમિક તબક્કાના લક્ષણો ધરાવતા દર્દીઓ જ આવી રહ્યા છે. રાજ્યમાં ૭૦ ટકા કરતાં વધુ પથારીઓ હૉસ્પિટલમાં ખાલી છે. આપણે હોસ્પિટલમાં પથારીઓ માટેની તૈયારીઓ રાખી છે. કેસ ભલે વધી રહ્યા છે પરંતુ અગાઉના તબક્કામાં જે ગંભીરતા વાળા કેસ આવી રહ્યા હતા તેવા કેસો સામે નથી આવી રહ્યા.

તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીને વેન્ટિલેટર ઉપર લેવા પડે કે ગંભીર સારવાર આપવી પડે એવા કેસ મર્યાદિત પ્રમાણમા આવે છે. જેના કારણે દર્દીઓ ઝડપથી સાજા થઈ જાય છે.

આ સિઝનની સાયકલ મુજબ વધઘટ થયા કરે છે. રાજ્યમાં છેલ્લા ૧૦ દિવસથી કોરોના વાયરસના કેસ ચરમસીમાએ છે, ત્યારે રાજ્યમાં રંગોત્સવ તરીકે ઓળખાતા હોળી અને ધૂળેટીના પર્વની ઊજવણીને સીમિત રાખવા માટે નાગરિકોને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.