વડોદરા

કોરોનામાંથી સાજા થયા બાદ મોટી સંખ્યામાં દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ એટલે કે નાકની અંદરના ભાગમાં થતી ફંગસ થવાનું પ્રમાણ વધી ગયું છે. આ ફંગસની સમયસર સારવાર કરવામાં ન આવે તો દર્દીનું જડબું કાઢી નાખવું પડે છે. અમુક કિસ્સાઓમાં તો આંખ પણ કાઢી નાખવી પડે છે. પરંતુ ફંગસની સારવારમાં ઉપયોગમાં લેવાતા લાઈપોઝોમ એમ્ફોટેરિીસન ઈન્જેકશનોની હાલ રાજ્યમાં ભારે અછત સર્જાઈ છે. ૧૦૦થી ૧૫૦ વાયલના આ ઈન્જેકશનો હાલમાં મળતા નથી, જેના કારણે દર્દીઓ અને તેમના સગાંઓ બજારમાં આ ઈન્જેકશનો મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે. તેવા સંજાેગોમાં રાજ્ય સરકાર તરફથી શહેરની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં સપ્લાય કરવામાં આવતો લાઈપોઝોમ એમ્ફેટેરિસીન ઈન્જેકરોના જથ્થામાંથી આરોગ્ય કમિશનર દ્વારા હોસ્પિટલના સત્તાધીશોને ખાનગી હોસ્પિટલોમાં પણ જરૂરિયાત મુજબ આપવાનો આદેશ આપતો પરિપત્ર જારી કરતાં હોસ્પિટલના સત્તાધીશો દ્વિધામાં મુકાઈ ગયા હતા અને હોસ્પિટલમાં જ દાખલ દર્દીઓ માટે ઈન્જેકશનોનો જથ્થો અપૂરતો રહેતો હોવાથી આ મામલે ખાસ ફરજ પરના અધિકારી - ઓએસડી ડો. વિનોદ રાવને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે અને એવો પણ ભય સેવાઈ રહ્યો છે કે જાે સરકાર દ્વારા સમયસર યોગ્ય પગલાં નહીં ભરે તો આ ઈન્જેકશનોની હાલત પણ રેમડેસિવિર જેવી થઈ જશે, જેના પરિણામે કાળાબજારી કરનારાઓને મોકળું મેદાન મળી જશે અને દર્દીઓને હાલાકી ભોગવવી પડશે.

જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ જ મોંઘી અને ખર્ચાળ સારવાર કરાવવા માટે નાછૂટકે આવે છે તેવા સમયે સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓની સારવારના ઈન્જેકશનો ઉપર તરાપ મારી સરકારી સપ્લાયમાંથી ખાનગી હોસ્પિટલોને ઈન્જેકશનો આપવા માટેનું ષડ્‌યંત્ર હોવાનું માનવામાં આવી રહ્યું છે. અલબત્ત, સરકારી હોસ્પિટલોમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં પણ પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે અને રોજેરોજ દર્દીઓના મેજર ઓપરેશનો થઈ રહ્યા છે.

સયાજી હોસ્પિટલમાં નવા ૧૨ અને ગોત્રીમાં નવા ૬ દર્દીઓ દાખલ ઃ કુલ સંખ્યા ૧૫૦ પર પહોંચી

વડોદરા. વડોદરા શહેર-જિલ્લામાંથી તેમજ જિલ્લા બહારથી મ્યુકોરમાઈકોસિસના સયાજી હોસ્પિટલમાં નવા વધુ ૧૨ અને ગોત્રી હોસ્પિટલમાં નવા ૬ દર્દીઓ દાખલ થયા હતા. આ સાથે બંને સરકારી હોસ્પિટલોમાં હાલ તબકકે ૧૫૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ દાખલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું છે. જેમાં બંને હોસ્પિટલમાં તજજ્ઞ તબીબો દ્વારા ૧૯ દર્દીઓના મેજર અને માઈનોર ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં શહેરની એક ૬૦ વર્ષીય વૃદ્ધ મહિલાની આંખમાં ફંગસની ગંભીર અસર થવાથી આંખને ઓપરેશન કરી કાઢી લેવામાં આવી હતી, જ્યારે ૮ દર્દીઓને બાયોપ્સી સેમ્પલો લઈને લેબોરેટરી માટે મોકલી આપવામાં આવ્યા હતા.

કોર કમિટીની બેઠકમાં ચર્ચા-વિચારણા બાદ ર્નિણય લેવાયો

ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહેલા મ્યુકરમાયક્રોસિસ રોગને લઈને આજે મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં મ્યુકરમાયક્રોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ વિશદ ચર્ચાઓ દરમિયાન એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, એપેડેમિક ડિસિઝ એક્ટ ૧૮૫૭ અન્વયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજાેએ સ્ક્રિનિંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇસીએમઆર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત આ રોગના શંકાસ્પદ તેમજ કન્ફર્મ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે.