રાજપીપળા -

નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકો એક મોટું પ્રવાસન ધામ બની ગયો છે પરંતુ આજે પણ સ્થાનિક આદિવાસી શિક્ષિત યુવકો-યુવતીઓ બેરોજગાર છે.બહારના લોકો આવીને અહીંયા નોકરી કરે છે પરંતુ સ્થાનિકો નોકરી વગર રખડી રહ્યા છે.જેનો તાજો દાખલો હાલ જોવા મળ્યો છે.સ્થાનિક યુવાનોએ એવો આક્ષેપ લગાવ્યો છે કે નર્મદા જિલ્લા ટ્રાઇબલ સબ પ્લાનના અધિકારીઓ પર તેમની પાછળ વપરાયેલ ગ્રાન્ટનો દુરુપયોગ કરી ભ્રસ્ટાચાર કરી અમારી સાથે છેતરપીંડી કરી છે.

નઘાતપોર ગામના તાલીમ લઈને આવનાર સ્થાનિક યુવાન અમિત તડવીએ જણાવ્યું હતું કે અમારી સાથે છેતરપિંડી થઈ છે.ગરુડેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં રહેતા શિક્ષિત યુવાનોને આદિવાસીઓને રોજગાર માટે તાલીમની ગ્રાન્ટથી ૨૮ શિક્ષિત બેરોજગારોને પસંદ કરી આંધ્રાપ્રદેશ એક ખાનગી એજન્સી પાસે સિક્યુરિટી તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા.એ તાલીમ લઈને અમે આવ્યા બાદ નોકરી માટેની અમારી કોઈ જ વાત સાંભળતું નથી.અમારા તાલીમના સર્ટીફિકેટને અમાન્ય ગણી રહ્યા છે.ત્યારે અમને શંકા છે કે અમારા નામની આદિવાસીઓની ગ્રાન્ટનો ટ્રાઇબલ સબપ્લાન વિભાગે દૂર ઉપયોગ કર્યો છે.અને અધિકારીઓએ ગેરરીતિ કરી છે તો તેની તપાસ થવી જોઈએ અને અમને સ્થાનિક કોઈ પણ પ્રોજેક્ટમાં સિક્યુરિટીમાં નોકરી આપવામાં આવે.અમે તાલીમમાં ખુબ મહેનત કરી છે.એક વર્ષથી રખડી રહ્યા છે ત્યારે અમારી સાથે ટ્રાઈબલ વાળા અને તંત્ર દ્વારા છેતરપિંડી કરી હોય એવું લાગે છે જો અમને ન્યાય નહિ મળે તો અમે આંદોલન કરીશુ. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રોજેક્ટોમાં સ્થાનિકોને રોજગારી આપવાનો સરકારે વાયદો કર્યો હતો અને હાલ ૧૦ હાજરથી વધુ લોકોને રોજગારી આપી હોવાનો દાવો કરે છે.ત્યારે ૨૮ જેટલા સ્થાનિક યુવાનો તાલીમ લઈને આવ્યા છતાં નોકરી વગર એક વર્ષથી રઝળી રહ્યા છે.