માંડવી, માંડવી તાલુકામાં આવેલ ગોળના કોલાઓની જી.પી.સી.બી. (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બ્યુરો) દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાઈ. જેમાં ગોળના કોલા ના માલિકો પાસે જરૂરી વિગતો તેમજ કોઈ કાયદાનો ભંગ ન થતો હોય તેની જાણકારી મેળવવામાં આવી. શંકાસ્પદ ગોળના કોલાઓનાં માલિકોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. 

માંડવી તાલુકામાં લગભગ ૧૦૦ થી પણ વધુ ગોળના કોલાઓ છે. જેમાં કોઈ કોલાના માલિકો નિયમોનું ઉલ્લંઘન કરી જેમકે બળતણમાં પ્લાસ્ટિક કે ટાયરો નો ઉપયોગ કરી, વગર પરવાનગીએ કોલાઓ ચલાવતા, ઉપજાઉ જમીન પર ગોળના કોલાઓ ચલાવતા કે અખાદ્ય ગોળ તેમજ દારૂ બનાવવામાં વપરાતો ગોળ બનાવતા છે કે નહિ? તેની તપાસ કરવા જી.પી.સી.એલ. અને માંડવી પ્રાંત અધિકારી ની કચેરીના કર્મચારીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ગોળના કોલાઓ પર જઈ તેને લગતા કાયદાઓનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરાઈ હતી. શંકાસ્પદ જણાતા કોલાઓ ના માલિકોને નોટિસ પણ આપવામાં આવી હતી. જી.પી.સી.એલ. અને માંડવી પ્રાંત અધિકારી ની કચેરીના અધિકારીઓ દ્વારા તમામ કાર્યવાહીઓ કરી પોતાના ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી હતી. જેથી ઉચ્ચ અધિકારી દ્વારા નિયમોનો ભંગ કરનાર કોલાઓનાં માલિકો વિરુધ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરી શકાય. આ કામગીરી જી.પી.સી.એલ. ના અધિકારી વિરલભાઇ, માંડવી પ્રાંત કચેરીના અરેઠ વિભાગના સર્કલ ઓફિસર સમીરભાઈ, માંડવી વિભાગના સર્કલ ઓફિસર મૃણાલભાઈ ગઢવી, નાયબ મામલતદાર વિક્રમભાઈ મકવાણા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જી.પી.સી.એલ. અને પ્રાંત કચેરીના સ્ટાફ દ્વારા કરાયેલ સરપ્રાઇઝ ચેકિંગ થી ગેરકાયદેસર ચલાવતા કે અખાદ્ય ગોળ બનાવતા કોલાઓનાં માલિકોમાં ફફડાટ સર્જાયો હતો. ગોળના કોલાંને કારણે પર્યાવરણનું પ્રદુષણ થાય છે.