અમદાવાદ-

જીપીએસસી અને એલઆરડીની પરીક્ષામાં સફળ રહેલા ઉમેદવારો છેલ્લા ૧૩ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે છતાં તેમની માગ સંતોષાઈ નથી. પરિણામે તેઓએ વિરોધ પ્રદર્શનને નવી જ દિશા આપી છે. આગામી મહિને વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ ઉમેદવારોમાંથી સેંકડોને તેમના નામવાળા નોમિનેશન ફોર્મ મળ્યા છે. તેમના કહેવા મુજબ, તેમણે ચૂંટણી લડવા અંગે હજી કોઈ ર્નિણય નથી કર્યો પરંતુ તેઓ હાલની સરકારની વિરુદ્ધમાં પ્રચાર કરશે.

શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્ય દિનેશ બાંભણીયાએ કહ્યું, આજે ગુજરાતમાં ૧૪ લાખ શિક્ષિતો બેરોજગાર છે. યુવાનો (પ્રદર્શનકર્તાઓ)નું આ ગ્રુપ વિવિધ પ્રકારે તેમની પીડા સરકારના ધ્યાને લાવવાનો પ્રયત્ન કરી રહી છે, જેમાં તેઓ આંશિક રીતે સફળ પણ થયા છે. ઘણા એવા યુવાનો છે જેમણે એલઆરડી, જીપીએસસી અને અન્ય સરકારી પરીક્ષાઓ મહિનાઓ પહેલા પાસ કરી છે પરંતુ તેમને હજી સુધી નોકરી મળી નથી. ઘણા ઉમેદવારો માટે આ સ્થિતિ બેવડા માર જેવી છે કારણકે સરકારી નોકરી મળવાની હોવાથી તેમને જૂની જોબમાંથી કાઢી મૂકાયા હતા અથવા તેમણે પોતે છોડી દીધી હતી. દિનેશ બાંભણીયાએ આગળ કહ્યું, જ્યારે અમે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું તો પોલીસે અમારી અટકાયત કરી હતી. માટે જ અમે જે બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેના ઉમેદવારી પત્રો આ પ્રદર્શનકર્તાઓને આપવાનો ર્નિણય કર્યો છે. અત્યાર સુધીમાં એકલા મોરબીમાંથી જ ૧૮૨ ઉમેદવારોએ આ ફોર્મ લીધા છે. લીંબડીમાંથી ૧૧૬ અને ધારીમાંથી ૯૬ ઉમેદવારોએ ફોર્મ લીધા છે. રાજકારણમાં સફળ થવાની અમારી મહત્વાકાંક્ષા નથી. આ ફોર્મ ભરવા કે નહીં તે અંગેનો ર્નિણય ટૂંક સમયમાં જ કરીશું. જો કે, આ તમામ લોકો હાલની સરકારની વિરુદ્ધમાં પ્રચાર કરશે", તેમ દિનેશ બાંભણીયાએ જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, નોમિનેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૬ ઓક્ટોબર છે અને ૩ નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે.