ગાંધીનગર-

મુખ્યમંત્રીએ રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે મોબાઈલ ટુ સ્પોર્ટ્સ, રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્રો અને ગ્રામ્ય રમત ગમત વિકાસ યોજનામાં ૫૦૦ ગામડાઓમાં રમતના મેદાનો વિકસિત કરવાના ત્રિવિધ વિકાસકામોના ઈ-લોન્ચિંગ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યા હતા. તેમણે રમત ગમત રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આ નવતર પહેલના ફેઈસબુક પેજ પણ લોન્ચ કર્યા હતા. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના હોનહાર પ્રતિભાવંત રમતગમત ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ રોશન કરે તેવી સઘન તાલીમ અને તેમની રોજગારીની ચિંતા રાજ્ય સરકાર કરશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યના યુવાનો રમતગમત ખેલકૂદમાં કૌશલ્ય દાખવી ગુજરાતનું નામ ઉજાળે સાથોસાથ તેમણે સરકારી નોકરીઓની તકો માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લાઓમાં રમત વીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કર્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત જેમ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં, ઇનોવેશનમાં, વિવિધ યુનિવર્સિટીઝની સ્થાપનામાં નંબર વન છે એમ રમત ગમત ખેલકૂદ પ્રવૃત્તિઓમાં પણ આવનારા સમયમાં અગ્રેસર બને તેવી આપણી નેમ છે. આ હેતુસર યુવાશક્તિને રમત ગમત ખેલકૂદ પ્રત્યે વધુ પ્રેરિત કરી, તાલીમબદ્ધ કરીને વિશ્વની યુવા શક્તિ સામે પડકારો ઝીલી શકવા સજ્જ કરવા આ સરકારે છેક ગ્રામીણ સ્તરે રમત ગમત વિકસે તેવા પ્રયાસો રૂપે ૫૦૦ ગામડાઓમાં રમત-ગમતના મેદાનો વિકસિત કરવાની અભિનવ પહેલ કરી છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત મારફતે ખેલકૂદ તાલીમનું વિશાળ નેટવર્ક ઊભું કરીને દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ દ્વારા યુવા શક્તિને ઓલમ્પિકસ ગેમ સુધીની સઘન તાલીમ આપવાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે. 

એટલું જ નહીં રમત ગમત પ્રવૃતિના વિકાસ માટે ૫૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે. ખેલ મહાકુંભ અને કલા મહાકુંભથી યુવાશક્તિના ધગશ, કૌશલ્ય અને જુસ્સાને નિખારવાનો મંચ આપ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણના આ કાળમાં યુવાનો, રમતગમત પ્રેમીઓને ઘરે બેઠા તાલીમ મળે અને પોતાની મનપસંદ રમતમા તે દક્ષત્તા મેળવી શકે તે માટે મોબાઈલ ટુ સ્પોર્ટસની પહેલને આવકારદાયક ગણાવી હતી. વિજય રૂપાણીએ કોરોના થી ડરી ને બેસી રહેવા કરતા 'જાન હે જહાન હૈ'ના ધ્યેય સાથે સમય સાથે કદમ મિલાવીને આપણે આગળ વધવું છે તેવી પ્રેરણા યુવા શકિતને આપી હતી. 

મુખ્યમંત્રીએ સ્વામી વિવેકાનંદે યુવાઓને પ્રેરણા આપતા કહેલી વાત કે, રમતના મેદાનમાં પરસેવો પાડી યુવાનો સ્ફૂરણા મેળવે, તાકાતવર બને તેનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, આપણે છેક ગ્રામીણ સ્તર સુધી આવા શક્તિશાળી યુવાનોને તાલીમ અને કૌવતથી ગુજરાતને ખેલકૂદ વિશ્વમાં અવ્વલ બનાવવું છે. તેમણે કોરોના સંક્રમણ કાળમાં પણ યુવા શક્તિ નું ખેલકૂદ સામર્થ્ય રૂંધાય નહીં તેની કાળજી સરકારે લીધી છે તે માટે વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. 

રમત ગમત રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે રાજ્યના યુવાનો માં રમત ગમત પ્રત્યે ઘેરબેઠા જાગૃતિ લાવવાના આ નવતર પ્રયોગને બિરદાવ્યો હતો. તેમણે મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત ખેલ અને કલા ક્ષેત્રે અનેક પ્રતિભાઓ આપી શકયું છે અને આપતું રહેશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, વિભાગના અધિક મુખ્ય સચિવ સી. વી. સોમ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ કુ. અંજના બહેન તથા અધિકારીઓ આ અવસરે ગાંધીનગરથી જોડાયા હતા. રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા રમતગમત અધિકારીઓ, ખ્યાતિ પ્રાપ્ત ખેલાડીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થયા હતા. અધિક મુખ્ય સચિવ સોમે સ્વાગત પ્રવચનમાં સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા આપી હતી.