મહેસાણા,તા.૩૦ 

મહેસાણા નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાધારી ભાજપે ૭ કોંગી સભ્યોના સમર્થનથી ૨૦ વિરુદ્ધ ૧૬ મતથી હોબાળા વચ્ચે ગણતરીની મિનિટોમાં કામો મંજૂર કરી સભા આટોપી લીધી હતી. પ્રારંભે શહેર કોંગ્રેસ પ્રમુખનો વ્હીપ વિપક્ષના નેતા વાંચતા હતા ત્યારે કોંગ્રેસના જ બાગી સભ્યોએ કામોમાં વ્હીપ ન હોય કહી હંગામો કર્યો અને આ દરમિયાન પ્રમુખે કામો મંજૂરમાં ૨૦ સભ્યોએ હાથ ઉંચો કરી સમર્થન દર્શાવી તરત પ્રમુખ સહિત બહુમત સભ્યોએ ચાલતી પકડી લીધી. આથી ચીફ ઓફિસરનો કોંગ્રેસના સભ્યોએ ઘેરાવ કરી બહુમતના દાવા સાથે સભા ચલાવવા પ્રયાસ કર્યો હતો, પાલિકામાં ભાજપના જ શાસકપક્ષના નેતા સહિત છ સભ્યો સભામાં ગેરહાજર રહેતાં કોંગ્રેસની જેમ ભાજપમાં પણ આંતરિક જૂથવાદમાં બે ફાડિયા પડ્યા છે. સભામાં ૩૬ સભ્યો હાજર રહ્યા હતા. ૭ સભ્યો ગેરહાજર હતા. જેમા ભાજપના ૧૫ પૈકી ૯ સભ્યો હાજર હતા. તેમની સાથે બેઠકમાં ભાજપનો ખેસ ધારણ કરનારા ૪ કોંગી સભ્યો બેઠા હતા એટલે ૧૩ સંખ્યાબળ સાથે એજન્ડાના કામો મામલે ઉપપ્રમુખ સહિત ૭ કોંગી સભ્યોનું સત્તાધિશોને સમર્થન મળતાં કુલ સંખ્યાબળ ૨૦ થયું હતું.પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે, સભામાં અમારી બહુમતી હતી.ભાજપ લઘુમતીમાં હોઇ પોલીસ બોલાવી ગેરકાયદે કામો મંજૂર કરી સભા અધ્યક્ષ બોર્ડ છોડી ભાગી ગયા છે.