વડોદરા : શહેરના રેસકોર્સ વિસ્તારમાંઆવેલ એલાઈવ્ઝ જિમ પર સેન્ટ્રલ જીએસટી વિભાગે માર્ચ, ર૦ર૦માં દરોડો પાડીને દસ્તાવેજાે જપ્ત કર્યા હતા. દસ્તાવેજાેની તપાસમાં રૂા.ર.પ૮ કરોડના વ્યવહારો કર્યા બાદ તેની એન્ટ્રી એકાઉન્ટ બુકમાં બતાવી નહોતી, જેથી સેન્ટ્રલ જીએસટી વિભાગે એલાઈવ્ઝ જિમના પાર્ટનર કૈલાસ જાધવ અને ડો. દેવાંગ શાહને શોકોઝ નોટિસ ફટકારી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જિમના તબીબ પાર્ટનરે કૈલાસ જાધવ સામે રૂા.૩ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 

સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા તા.૧૬મી માર્ચ, ૨૦૧૬ના રોજ રેસકોર્સ વિસ્તારમાં આવેલા એલાઈવ્ઝ જિમ એન્ડ ફિટનેસ સેન્ટર પર દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. જેમાં જે તે સમયે એકાઉન્ટ મેનેજર સંજય હલિયાલ અને જિમના પાર્ટનર કૈલાસ જાધવનું નિવેદન લીધું હતું. જ્યારે બીજા પાર્ટનર ડો.દેવાંગ શાહનું પણ નિવેદન લીધું હતું. તે સમયે ડો. દેવાંગે કૈલાસ જાધવ સામે ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની અને બનાવટી દસ્તાવેજાેની ફરિયાદ નોંધાવી હતી. ત્રણ મહિના પછી એફઆઈઆર નોંધાઈ ત્યારથી કૈલાસ જાધવ નાસતો ફરે છે.

સેન્ટ્રલ જીએસટી વિભાગે માર્ચ મહિનામાં હાથ ધરેલી તપાસમાં કેટલાક મહત્ત્વના દસ્તાવેજાે જપ્ત કર્યા હતા. દસ્તાવેજાેની તપાસમાં એલાઈવ્ઝ જિમના પાર્ટનરો દ્વારા નવેમ્બર, ૨૦૧૫થી ડિસેમ્બર, ૨૦૧૭ સુધીની એન્ટ્રીઓ એકાઉન્ટ્‌સમાં બતાવવામાં આવી નહોતી તેમજ એપ્રિલ, ૨૦૧૮ થી માર્ચ, ૨૦૨૦ સુધી ફાઈલ કરેલા જીએસટીઆર-૧ રિટર્નમાં તફાવત સામે આવ્યો હતો. જ્યારે નવેમ્બર, ૨૦૧૯થી જિમ સંચાલક દ્વારા જીએસટીઆર-૩બી ફાઈલ કરવામાં આવી નહોતી. આ અંગે તા.૧૧ જૂન, ૨૦૨૦માં નોટિસ ફટકારવામાં આવી હતી.

જીએસટી વિભાગ દ્વારા કરાયેલ ૧૮,૦૦૦ એન્ટ્રીઓની સ્ક્રૂટિનીમાં ૨૦૧૫-૧૬ના ગાળામાં કૈલાસ જાધવે પોતાના ખાતામાં રૂા.૩૫ લાખની રકમ કેશ ડિપોઝિટ કરી હતી, જ્યારે ડો. દેવાંગના ખાતામાં રૂા.ર લાખ ડિપોઝિટ કરી હતી. સપ્ટેમ્બર, ૨૦૧૫થી જૂન, ૨૦૧૭ના ગાળાની સ્ક્રૂટિની કરાઈ હતી જેમાં જુલાઈથી અત્યાર સુધીની સ્ક્રૂટિની બાકી છે. સ્ક્રૂટિનીમાં રૂા.ર.પ૮ કરોડની આવક છૂપાવી હોવાની વિગતો પ્રકાશમાં આવતાં જિમના પાર્ટનરોને રૂા.૩૪ લાખ સર્વિસ ટેક્સની ડિમાન્ડ નોટિસ ફટકારી હોવાનું જાણવા મળે છે. આમ એલાઈવ્ઝ જિમનો વધુ એક વિવાદ પ્રકાશમાં આવ્યો છે.