અમદાવાદ-

છાશવારે વિવાદોમાં રહેતી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી પરીક્ષાને લઈ વિવાદમાં આવી છે. કોરોનાના વધતા કેસને પગલે ઓનલાઈન પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડેટા લીક થતા GTU માં હોબાળો મચ્યો હતો. જોકે, સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી છે.

કોરોનાના કેસ વધી રહ્યા છે જેને પગલે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાઇ રહી છે. જોકે, ઓનલાઇન પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓનો ડેટા લીક થતા GTUમાં હડકમ્પ મચવા પામ્યો હતો. GTU વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. આ અંગે GTU ના રજિસ્ટ્રાર કે. એન. ખેરે સાયબર ક્રાઇમને એક ફરિયાદ આપી છે.

આ ફરિયાદ નોંધાતા ડેટા લોકલ સર્વરમાંથી લીક થયો કે ક્યાંથી તેની તપાસ શરૂ કરાઇ છે. વિદ્યાર્થીઓના ફોટા અને આઈડી લીક થયા છે. પરીક્ષાની કોઈ માહિતી કે પેપર લીક થયું નથી. એજન્સી દ્વારા ડેટા લીક થયો કે કેવી રીતે તેની તપાસ ચાલી રહી છે. 1260 વિદ્યાર્થીઓનો ડેટા લીક થયો હોય એવું લાગે છે. જેમાં પ્રિ ટેસ્ટ આપનાર વિદ્યાર્થીઓનો ડેટા હોય તેવું લાગે છે. ડેટા લીક મામલે કોન્ટ્રાકટ લેનાર એજન્સીની કોઈ સંડોવણી છે કે કેમ તે પણ તપાસ કરાશે.