અમદાવાદ-

જીટીયુની વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ અંતર્ગત ૧૬મી માર્ચથી ત્રીજા ત બક્કાની પરીક્ષાઓ શરૃ થનાર છે.જેમાં ડિગ્રી ઈજનેરી અને ડિપ્લોમા ઈજનેરીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાશે ત્યારબાદ ૨૦મીથી ફાર્મસીની પરીક્ષાઓ શરૃ થશે.

જીટીયુ દ્વારા જાન્યુઆરીથી વિવિધ ટેકનિકલ કોર્સની વિવિધ સેમેસ્ટરની વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ શરૃ થઈ છે.અત્યાર સુધી જીટીયુ દ્વારા બે તબક્કાની પરીક્ષાઓ પૂર્ણ કરી દેવાઈ છે. જીટીયુ દ્વારા વિન્ટર સેમેસ્ટરની તમામ પરીક્ષાઓ ઓફલાઈન ધોરણે જ લેવાઈ રહી છે.બે તબક્કાની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે ૧૬મી માર્ચથી ત્રીજા તબક્કાની પરીક્ષાઓ લેવામા આવનાર છે. જેમાં ડિગ્રી ઈજનેરી સેમેસ્ટર ૧ રેગ્યુલર અને રીમિડિયલ તેમજ સેમેસ્ટર -૨ રીમીડિયલ પરીક્ષા ,ડિપ્લોમા ઈજનેરી સેમેસ્ટર ૧ રેગ્યુલર અને રીમીડિયલ પરીક્ષા તેમજ સેમસ્ટર -૨ની રીમીડિયલ પરીક્ષાઓ લેવાશે.આ ઉપરાંત ૨૦મી માર્ચથી ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી સેમેસ્ટર-૧ની પરીક્ષાઓ શરૃ થશે. આ વર્ષે કોરોનાને લીધે પ્રથમ વર્ષના પ્રવેશ ખૂબ જ મોડા પૂર્ણ થતા સેમેસ્ટર-૨ની પરીક્ષાઓ કે જે ડિસેમ્બર-જાન્યુઆરીમાં લેવાતી હોય છે તે ત્રણ મહિના મોડી લેવાઈ રહી છે.આ પરીક્ષાઓ ૩૧મી માર્ચ સુધી ચાલશે અને જેમાં ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.