અમદાવાદ-

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્યોની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ફેબ્રુઆરીના અંતમાં મળનારા વિધાનસભાના બજેટ સત્રમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેટલાક ધારાસભ્યોને ગેલેરીમાં બેસાડવામાં આવશે. પ્રેક્ષક ગેલેરીમાં ખુરશીઓના બદલે નવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગત સત્રમાં રાજ્યના ધારાસભ્યોએ ટકોર કરી હતી.

જેથી વિધાનસભા બજેટ સત્રમાં ધારાસભ્યોની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોરોનાના કારણે પ્રેક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવશે અને પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્યોને આરામદાયક ખુરશીમાં બેસાડવાની વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા રહેશે. નાણાંમંત્રી તરીકે નીતિન પટેલ ૯મી વખત બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે સત્ર પહેલા બંને પક્ષો સાથે બેઠક યોજવામાં આવશે અને તે પ્રમાણે ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. ગત સત્ર દરમિયાન પડેલી મુશ્કેલી દૂર કરીને ધારાસભ્યો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વિધાનસભામાં સત્ર દરમિયાન સેનિટાઇઝેશન, માસ્ક અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે.. અત્યાર સુધી સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ભાજપના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે છે. તેમણે ૧૮ વખત બજેટ રજૂ કર્યું હતુ. નાણામંત્રી નીતિન પટેલ દ્વારા ૨૦૨૧-૨૨નુ બજેટ રજૂ કરીને પોતાનો રેકોર્ડ પોતે જ તોડશે. નીતિન પટેલ દ્વારા અત્યાર સુધીમાં બે વખત લેખાનુદાન અને છ વખત પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યા છે.