ગાંધીનગર,ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનું આજે નિધન થયું છે. થોડા દિવસ અગાઉ કોરોનાથી સંક્રમિત થતા તેઓને દાખલ કરાયા હતા. છેલ્લા કેટલાય દિવસથી તેમની તબિયત લથડી હતી. જેના કારણે તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. રાજીવ સાતવને ગત તા. ૨૩ મી એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ થયાના બે દિવસ પછી કોમ્પલિકેશન વધી જતાં તેમને આઈસીયુમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે તેમનું નિધન થયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવના આકસ્મિક નિધનથી કોંગ્રેસનાં નેતાઓમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. રાજીવ સાતવના નિધનથી ગુજરાત કોંગ્રેસમાં મોટી ખોટ પડી છે. ત્યારે તેમના નિધન પર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, દિપક બાબરિયા, પ્રદેશ પ્રવકતા મનીષ દોશી, પ્રદેશ મહામંત્રી હિમાંશુ પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ શોક સંવેદના વ્યક્ત કરી હતી.