અમદાવાદ-

સામાન્ય રીતે ન્યાયાલય આપણી વ્યવસ્થાનો મુખ્ય ભાગ છે, જે લોકશાહીના તમામ પાસાઓ વચ્ચે સંતુલન જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ કોર્ટની આ કામગીરી વચ્ચે દખલગીરી કરે છે, ત્યારે હાઇકોર્ટ દ્વારા હંમેશાં કડક વલણ અપનાવવામાં આવતું હોય છે. ભારતના બંધારણમાં ન્યાયાલયના હુકમની અવગણના સામે કાર્યવાહી કરવા કોર્ટ સ્વતંત્ર છે. આવી જ સ્વતંત્રતાનો ઉપયોગ અમદાવાદની ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલે કર્યો છે. જેમાં 2 વખત કોર્ટે DEOને હાજર રહેવા હુકમ કર્યો હોવા છતાં તેનું પાલન ન કરતા કોર્ટે તેમને 5,000નો દંડ કર્યો છે. ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણ અધિકારીના પગારમાંથી રૂપિયા 5,000 કપાત કરવામાં આવે. વધુમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમના વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ કેમ ન કાઢવામાં આવે, તે અંગેનો ખુલાસો 7 દિવસમાં ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જો આમ કરવામાં ન આવે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા સંબંધી હુકમ કરવામાં આવશે. અમદાવાદમાં કોર્ટની અવગણનાની ઘટના સામે આવી હતી. વડોદરાના એક કર્મચારીને શારીરિક ઈજાના કારણે સ્વેચ્છાએ રાજીનામું આપવા મામલે ગુજરાત શૈક્ષણિક સંસ્થા ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો. આ અંગે કોર્ટે DEOને હાજર રહેવા હુકમ કર્યો હતો, આમ છતાં DEO દ્વારા તેનું પાલન કરવામાં ન આવતા કોર્ટે તેમને 5,000નો દંડ કર્યો હતો.