ગાંધીનગર-

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ માટે બેરોજગારીનો મુદ્દો માથાનો દુખાવો બની ગયો છે. નોકરી આપવાના મોટા મોટા વાયદા કરતી રાજ્યની રૂપાણી સરકાર પર બેરોજગાર યુવાઓ બિન સચિવાલયની પરીક્ષા યોજવાની માંગ કરી રહ્યા છે. ટિ્‌વટર પર બિન સચિવાલયની પરીક્ષાની તારીખ જાહેર કરવા મામલે #રીજ્યુમ_બિનસચિવાલય_એઝામ ટિ્‌વટર પર ટ્રેન્ડિંગમાં આવી ગયુ છે. અત્યાર સુધી ૯૬ હજારથી વધુ લોકોએ ટિ્‌વટ કર્યુ છે. રાજ્યમાં છેલ્લા ૩ વર્ષથી બિન સચિવાલયની પરીક્ષાને લઇને ગુજરાત સરકાર નિશાના પર આવી છે. વિકાસની વાતો કરતી રૂપાણી સરકાર યુવાઓને નોકરી આપવા મામલે અંતિમ ક્રમે છે. છેલ્લા ૩ વર્ષથી ગુજરાત સરકારની બિન સચિવાલયની નોકરીની યુવાઓ રાહ જાેઇ રહ્યા છે. ગુજરાત સરકારે યુવાઓને નોકરી આપવાનું વચન આપ્યુ હતું પરંતુ તેઓ તેને આપવામાં નિષ્ફળ રહ્યા છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કલેક્ટર કચેરીઓ અને ગુજરાત સરકારનાવિવિધ ખાતાના વડાની કચેરીઓ (બિન સચિવાલય સેવા)ના કારકુન વર્ગ-૩ અને સચિવાલય સેવાના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ ૩ની કુલ ૨૨૨૧ જગ્યાઓ પર સીધી ભરતી માટે ૧૨-૧૦-૨૦૧૮માં ભરતી જાહેર કરવામાં આવી હતી. જે ઈડબલ્યુએસના લીધે ફરી ૧-૬-૨૦૧૯થી ૩૦-૬-૨૦૧૯ દરમિયાન ફરી ખોલવામાં આવી હતી ત્યારબાદ તેની પરીક્ષા ૧૭-૧૧-૨૦૧૯ના રોજ ઓએમઆર બેઇઝ્‌ડ પરીક્ષા લેવામાં આવી હતી. જાેકે, પેપર ફૂટી જતા સરકારે પરીક્ષાને ૧૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ રદ કરી હતી અને સઘન સુરક્ષા વચ્ચે આ પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. તે બાદ ઘણો સમય નીકળી ગયો હોવા છતા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી.

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં રાજ્યમાં ૧૦ લાખથી વધુ ફોર્મ ભરાયા હતા. આ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પડ્યે ૩ વર્ષથી વધુનો સમય વિતી ગયો છે છતા પરીક્ષાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં #રીજ્યુમ_બિનસચિવાલય_એક્ઝામ

સર, લોકડાઉન પણ પૂર્ણ થઇ ગયુ, જીએસએસએસબીને કહો કે બિન સચિવાલયની પરીક્ષા લે, હજુ કેટલો સમય જાેઇએ??

ગુજરાત સરકારઃ ફિર હેરાફેરીના એક પોસ્ટર દ્વારા મજાક ઉડાવતા લખવામાં આવ્યુ કે, ઓછામાં ઓછો ૩૦ વર્ષનો તો સમય આપો.

બીજા એક ટિ્‌વટર યૂઝરે મુન્નાભાઇ એમબીબીએસના એક પોસ્ટર દ્વારા લખ્યુ કે, ગુજરાતમાં દરેક ભરતીને બે-ત્રણ વર્ષ સુધી લટકાવવી જરૂરી છે કે શું?

બીજા એક ટિ્‌વટર યૂઝરે લખ્યુ કે, ના તો ચોર છું અને ના તો ચોકીદાર છું. સાહેબ હું તો બેરોજગાર છું.

ટિ્‌વટર યૂઝરે લખ્યુ કે, સમયસર ચૂંટણી યોજાઇ શકતી હોય તો પરીક્ષા કેમ નથી યોજાઇ શકતી.