અમદાવાદ-

યુવતી સાથે ભાગીને લગ્ન કરનારા શખ્સને બળાત્કારના આરોપમાં ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. બુધવારે ગુજરાત હાઈકોર્ટે આ શખ્સની સજા રદ્દ કરતાં કહ્યું કે, સજા આપવાથી કપલનું સંતાન અનૌરસ ગણાશે. કોર્ટના કહેવા અનુસાર, આ સજા ચાલુ રાખવાથી કાયદાનું પ્રતિનિધિત્વ નહીં'ન્યાયનું મિસકેરેજ' થાત. બનાસકાંઠાના આ શખ્સ પર સગીર પત્ની સાથે બળાત્કાર કરવાનો આરોપ હતો અને પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું, મહિલા અને આ શખ્સે સ્વીકાર્યું છે કે બાળક તેમનું છે. હવે જાે શખ્સને જેલમાં ધકેલવામાં આવે તો તેમનું બાળક અનૌરસ ગણાય.

આ શખ્સ જ્યારે જેલમાં હતો ત્યારે તેની પત્ની અને બાળક તેના પરિવાર સાથે જ રહેતા હતા. આ કપલ ૨૦૧૫માં ભાગી ગયું હતું અને ત્યાર પછી શખ્સ સામે રેપ અને અપહરણની ફરિયાદ થતાં આઇપીસી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. કપલ જ્યારે ભાગી ગયું ત્યારે મહિલાની ઉંમર ૧૮થી ઓછી હતી અને તેથી જ શખ્સ સામે ફરિયાદ નોંધાવાઈ હતી. બાદમાં કપલે લગ્ન કર્યા અને હાલ તેઓ એક બાળકના માતાપિતા છે. માર્ચ મહિનામાં ડીસાની કોર્ટે આ શખ્સને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી.

આ શખ્સની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે સવાલ કર્યો કે, આ સજા દુષ્કર્મના આરોપી માટે છે કે બાળક માટે? તેમણે કહ્યું કે, એવા ઘણાં લગ્નો છે જેમાં છોકરી સગીર વયની હોય છે. "પરંતુ આવી પરિસ્થિતિમાં કાયદાને ધ્યાને લઈને અમે બાળકને અનૌરસ ગણાવીએ તો તેનું પરિણામ શું આવશે?", તેમ કોર્ટે પૂછ્યું.

કાયદા કડક અમલ અંગે કોર્ટે પ્રશ્ન કરતાં પ્રોસિક્યૂટરે કહ્યું કે, હાઈકોર્ટે લૉ કમિશન ઓફ ઈન્ડિયાને ભલામણ મોકલી છે. પ્રોસિક્યૂટરે અવલોકન કર્યું કે, ભલામણમાં ઉલ્લેખ છે કે, ર્નિભયા કેસ પહેલા એટલે કે ૨૦૧૩ પહેલા જે કાયદો અસ્તિત્વમાં હતો તે યોગ્ય હતો કારણકે ન્યાયિક અધિકારીઓ પોતાની સૂઝબૂઝથી ર્નિણય લઈને સજા સંભળાવતા હતા અને તે ન્યૂનત્તમ સજાથી પણ ઓછી હતી. પરંતુ હવે, આવા કિસ્સાઓમાં ન્યૂનત્તમ સજા ૧૦ વર્ષની છે, તેમ પ્રોસિક્યૂટરે ઉમેર્યું.

શખ્સે પોતાની મળેલી સજા અને દોષને પડકારતી અરજી કરી હતી અને તેની સુનાવણી કરવાનો ર્નિણય જજિસે લીધો હતો. સુનાવણીની શરૂઆતમાં જજિસે સવાલ કર્યો, "ગુનેગાર હોવાનો આ ચુકાદો ટકાઉ કેવી રીતે હોઈ શકે? શું હું મારી આંખો બંધ કરી દઉં? અમે આ બાળકને અનૌરસ ગણાવી દીધું છે.આ રીતે તો અસંખ્ય બાળકો અનૌરસ થઈ જશે." કોર્ટે સુનાવણી દરમિયાન મહિલાએ ટ્રાયલ કોર્ટમાં આપેલા નિવેદનને પણ ધ્યાનમાં લીધું. મહિલાએ કહ્યું હતું કે, તેણે આ સંબંધ પોતાની મરજીથી સ્વીકાર્યો હતો. કોર્ટે આગળ કહ્યું, "ગુજરાતમાં મોટી સંખ્યામાં એવા લગ્નો થાય છે જ્યાં છોકરીએ કાયદા મુજબની પરણવાની ઉંમર મેળવી ના હોય, આ વાતને લક્ષમાં રાખીને ન્યાય કરી શકાય છે. આ કેસમાં તો માતાપિતાએ સ્વીકાર્યું છે કે આ બાળક તેમનું છે છતાંય તેને અનૌરસ ગણાવું પડે છે. આ કાયદાની જાળવણી નથી પરંતુ ન્યાયનું મિસકેરેજ છે."