અમદાવાદ-

કોરોના મહામારી શરુ થઈ ત્યારથી સરકાર અને પોલીસ લોકોને સતત માસ્ક પહેરવા અને કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરવાનું કહી રહી છે. તેમ છતાં રોજ કેટલાય લોકો માસ્ક પહેર્યા વગર ઝડપાય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, પોતાની જ બેદરકારીના કારણે કોરોના વાયરસના સંક્રમણનો શિકાર બનનાર પીડિતને વળતર શું કામ આપવું જાેઈએ? ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જાેગવાઈઓ હેઠળ તમામ કોવિડ-૧૯ પીડિતોને વળતરની માગ કરતી જાહેરહિતની અરજીને જવાબ આપતાં આ સવાલ ઉઠાવ્યો હતો. અરજદારના વકીલે હાઈકોર્ટમાં કહ્યું કે, મહામારીની અસરને ઓછી કરવાનું કામ સરકારનું છે, તો ન્યાયાધીશોએ સવાલ કર્યો કે, 'પોતાની જ બેદરકારી અને માસ્ક ન પહેરવાના કારણે વ્યક્તિ કોવિડ-૧૯થી સંક્રમિત થાય તો શું? તેને વળતર કેમ આપવું જાેઈએ? જાે સત્તાધીશોની કોઈ બેદરકારી અથવા ફરજમાં વિલંબ થવાનો કેસ હોય તો સમજી શકાઈ કે, ભોગ બનનારને વળતર આપવું જાેઈએ. હાઈકોર્ટે પીઆઈલેની સુનાવણી નિયમિત કોર્ટના કામને ફરીથી શરુ કર્યા બાદ તેમ કહીને સ્થગિત કરી દીધી હતી કે, આ મુદ્દાને નક્કી કરવામાં કોઈ ઉતાવળ નથી. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને ૨૨મી ડિસેમ્બરે કોવિડ હોસ્પિટલોમાંથી માત્ર ૧૧ ટકા કોવિડ બેડ ઓક્યુપાઈડ હતા. રાજ્ય સરકારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, હાલમાં રાજ્યભરમાં લગભગ ૫૫,૦૦૦ બેડવાળી ૭૩૯ કોવિડ સુવિધાઓ ઉપલબ્ધ છે. ૩,૪૩૩ વેન્ટિલેટર્સ અને ૫,૦૭૦ આઈસીયુ બેડ ઉપલબ્ધ છે. જાે કે, માત્ર ૧૧ ટકા બેડ જ ઓક્યુપાઈડ છે. ડાંગ જિલ્લામાં સૌથી ઓછા ૦.૯૩ ટકા કોવિડ બેડ ઓક્યુપાઈડ છે, જે બાદ તાપી અને બનાસકાંઠા છે. હેલ્થ સેક્રેટરી જયંતી રવિએ જણાવ્યું હતું કે, સરકાર વાયરસના ફેલાવાને રોકવા માટે કટિબદ્ધ અને તૈયાર છે. પરંતુ ભારત સહિત દુનિયાભરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. તેમણે 'પ્રતિકૂળ પર્યાવરણની સ્થિતિ અને માનવ સંપર્કમાં વૃદ્ધિ'ને સંક્રમણમાં વધારા માટે જવાબદાર ગણાવી હતી.