અમદાવાદ

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના જામીન ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધા છે. આગામી ૫ જાન્યુઆરીએ યોજાનારી દૂધસાગર ડેરીની ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે વચગાળાના જામીન આપવાની માગ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. વિપુલ ચૌધરી દ્વારા કરાયેલી રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં તેમના વકીલે ૫મી જાન્યુઆરીએ ચૂંટણી હોવાથી ત્યાં સુધીના વચગાળાના જામીન આપવામાં આવે એવી માગ કરી હતી. જાેકે કોર્ટ દ્વારા આ માગને ફગાવી દેવામાં આવી છે. આ સિવાય રેગ્યુલર જામીન અરજી મુદ્દે સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો છે. વિપુલ ચૌધરી તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે તેમનું ચૂંટણીમાંથી ડિસ્ક્વોલિફિકેશન થયું નથી, જેથી તેમને વચગાળાના જામીન આપવામાં આવે. સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે ક્રાઈમની તપાસ મહત્ત્વપૂર્ણ તબક્કા પર છે અને અરજદાર વિપુલ ચૌધરી પ્રભાવશાળી વ્યક્તિ હોવાથી તે ચૂંટણીને અસર પાડી શકે છે. હાઇકોર્ટે બંને પક્ષે દલીલ સાંભળ્યા બાદ વિપુલ ચૌધરીના જામીન ફગાવી દીધા છે. દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં જાેડિયા દૂધ મંડળીની હાઇકોર્ટમાં ગુરુવારે સુનાવણી હાથ ધરાતાં કોર્ટે મંડળીને હાલપૂરતો ક-વર્ગ ધ્યાનમાં નહીં લેવા હુકમ કર્યો છે. જ્યારે ઉમેદવાર વિપુલ ચૌધરી સામે થયેલી વાંધા અરજીની મોડી સાંજે થયેલી સુનાવણી બાદ ચૂંટણી અધિકારીએ વિપુલ ચૌધરીને માન્ય ઉમેદવાર તરીકે ગણી રાત્રે હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે.