અમદાવાદ-

અમદાવાદ- ગુજરાત સરકાર દ્વારા અમલ કરવામાં આવી રહેલા લવ જેહાદના કાયદાને લઇને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના ધર્મ સ્વતંત્રતા સુધારા બિલની અમુક કલમો ઉપર કેટલાક સમય પહેલા (19 ઓગસ્ટે) હાઇકોર્ટે વચગાળાનો નિર્ણય આપતા સ્ટે આપ્યો હતો. જેમાં ગઈકાલે રાજ્ય સરકારે કલમ 5 ઉપરના સ્ટેને હટાવવા મામલે કરેલી અરજી મુદ્દે આજે સુનાવણી કરાઈ હતી. આજે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની અરજી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે ફગાવી હતી. હાઇકોર્ટે કલમ 5 ઉપરનો સ્ટે યથાવત રાખ્યો છે. કાયદાની કલમ 5 પરના સ્ટેને હટાવવા એડવોકેટ જનરલ ત્રિવેદીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કાયદેસરનું ધર્માન્તરણ કરવા માટે કલેક્ટરની પરવાનગી જરૂરી છે. કલમ 5ને લગ્ન સાથે કોઈ લેવા દેવા નથી, તો પછી કોર્ટે તેને શા માટે રોકવો જોઈએ? જ્યારે દલીલો થઈ ત્યારે મેં કલમ 5 પર દલીલ કરી ન હતી. જો કે, અરજદારના વકીલ મિહિર જોશીએ સરકારની આ માંગ અને અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જો કાયદાની કલમ 5નો સ્ટે ઓર્ડરમાં સમાવિષ્ટ ન હોય, તો કોર્ટનો સમગ્ર આદેશ કાર્યરત થશે નહીં અને તેના કારણે કોર્ટનો આદેશ બિનઉપયોગી બની જશે. વધુમાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે "અમને 19 ઓગસ્ટના રોજ પસાર થયેલા ઓર્ડરમાં કોઈ ફેરફાર કરવા માટે કોઈ કારણ મળતું નથી.