વડોદરા-

ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મધ્ય ગુજરાતમાં વડોદરા શહેરમાં સૌ પ્રથમ રોબોટીક સર્જરી શરૂ કરી છે. ગુજરાત કિડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હવે માત્ર કિડની માટે જ નહીં, પરંતુ રોબોટીક સર્જરી કરનાર શહેરની પ્રથમ હોસ્પિટલ બની છે. આ અંગે માહિતી આપતાં હોસ્પિટલના યુરોલોજિસ્ટ કિડની સર્જન ડો. પ્રજ્ઞેશ ભરપોડાએ જણાવ્યું હતું કે, ઓપરેશન કરવા માટેના આ રોબોટીક મશીન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંશોધન દ્વારા ડેવલોપ કરવામાં આવ્યું છે. રોબોટીક સર્જરીથી ચોક્કસ સર્જરી થાય છે, કોઈ જટિલતા સર્જાતી નથી. લેપ્રોસ્કોપીક સર્જરીમાં સાધનો સીધા જ હોય છે, જ્યારે રોબોટીક સર્જરીમાં આપણા હાથની જેમ જ સાધનો ચારે તરફ વળી શકે તેવા હોય છે. સર્જરી દરમિયાન કોઈ ભૂલ તબીબ કરે તો પણ આ રોબોટીક મશીન એલર્ટ થઈ જાય છે અને ભૂલને અટકાવે છે. વધુમાં ડો. ભરપોડાએ ઉમેર્યું હતું કે, અન્નનળીના કેન્સરની સર્જરી જાે લેપ્રોસ્કોપિકથી કરવામાં આવે તો સાડા ત્રણ લાખથી ચાર લાખ જેટલો ખર્ચ થતો હોય છે. જ્યારે રોબોટીક સર્જરીનો મહત્તમ ખર્ચ અઢી લાખ હોય છે, જેનું મુખ્ય કારણ દર્દીને લાભ થાય છે. દર્દીને હોસ્પિટલમાં રોકાવાની જરૂર રહેતી નથી. આ સર્જરીનો સમાવેશ મેડિક્લેમમાં પણ કરાયો છે. દર્દીને આર્થિક ભારણ ઓછું આવે છે. બીજું કે ગર્ભાશયના ઓપરેશનમાં છ થી આઠ કલાકમાં દર્દીને રજા આપવામાં આવે છે. હિસ્ટેરેકટોમી ઉપરાંત કેન્સર, ફર્નિયા, બેરિયાટીક, એન્ડોનેટરીઓસિસ જેવા પાચનતંત્ર સાથે સંકળાયેલા ઓપરેશન સહેલાઈથી થઈ શકે છે. રોબોટીક સર્જરીમાં દર્દીને ચીરા મુકવાની જરૂર રહેતી નથી અને ગણતરીના કલાકોમાં સર્જરી થાય છે તેમ ગુજરાત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના યુરોલોજિસ્ટ સર્જન ડો. પ્રજ્ઞેશ ભરપોડાએ જણાવ્યું હતું.