ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના રસીકરણની પાત્રતા ધરાવતા 4 કરોડ 93 લાખ 20 હજાર લોકોમાંથી 50 ટકા એટલે કે 2 કરોડ 48 લાખ 56 હજાર લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો છે.કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેકસીનેશનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે તા. 29 મી જુલાઇ-2021 સુધીમાં રાજ્યમાં 50 ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. 52 મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.

ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી 50 ટકા એટલે કે 2 કરોડ 48 લાખ 56 હજાર 842 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. એટલું જ નહિ, 77 લાખ 57 હજાર 619 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી.મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે હાથ ધરાઇ રહેલી સઘન વેકસીનેશન ઝૂંબેશમાં સક્રિયતાથી કર્તવ્યરત રહીને આ સિદ્ધિ મેળવવા માટે આરોગ્ય તંત્રના સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે.