અમદાવાદ, રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જાહેર કર્યું કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં ગુજરાતે નોકરીઓ આપવામાં પ્રથમ નંબર મેળવ્યો છે. કેન્દ્ર પુરસ્કૃત રાજ્ય સંચાલિત સ્કીમ હેઢળ ૧૪,૪૫૧ને તથા કેન્દ્ર પુરસ્કૃત કેન્દ્રીય સંચાલિત સ્કીમ હેઠળ ૩૭,૨૪૨ને રોજગારી જુદા જુદા ૨૭ ક્ષેત્રોમાં રાજ્યમાં અપાઈ હતી. સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટપ્રિન્યોરશિપ મંત્રાલય તરફથી રાજ્યસભામાં અપાયેલી માહિતીને આધારે આ વિગતો જાહેર કરાઈ છે. ગુજરાતને સીએસએસએમ અને સીએસસીએમ હેઠળ અનુક્રમે ૫૯,૫૬૩ અને ૧,૨૭,૩૯૫નો લક્ષ્યાંક અપાયો હતો. જે પૈકી અનુક્રમે ૪૯,૫૫૦ અને ૮૦,૭૩૬ ઉમેદવારોની નોંધણી કરાઈ હતી અને એમાં અનુક્રમે ૩૭,૫૭૧ અને ૮૦,૭૩૬ને તાલીમ અપાઈ હતી. ગયા વર્ષે પણ એપ્રેન્ટિસશિપ અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ગુજરાત કરેલી કામગીરીને મંત્રાલય દ્વારા બિરદાવાઈ હતી. વિપુસ મિત્રાએ જણાવ્યું કે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના શરૂ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે અને દેશના કુલ એપ્રેન્ટિસમાં ગુજરાત ૩૦ ટકા હિસ્સો ધરાવે છે. ગુજરાતે રોજગાર સેતુ નામક મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે.