ગાંધીનગર, તા.૧૬ 

૭૪માં સ્વાતંત્ર્ય પર્વે પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધ્વજવંદન કરાવ્યું હતું. તેમણે નિર્ધાર વ્યક્ત કર્યો કે, સ્વરાજ્યમાંથી સુરાજ્યની યાત્રા દ્વારા છેવાડાના માનવી, ગરીબ, પીડિત, વંચિત, શોષિતના ઉત્કર્ષ માટે અમે સંકલ્પબદ્ધ છીએ. રૂપાણીએ ૯ ખ્યાતનામ તબીબો અને ૪૫ આરોગ્યકર્મીઓ એવા કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું.મુખ્યમંત્રીએ ધ્વજવંદન બાદ સ્વર્ણિમ પાર્ક પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતુ. ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક પરિસરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને બંધારણના ઘડવૈયા ડાૅ. આંબેડકર એમ ત્રણ વિરલ વિભૂતિઓની પ્રતિમા સન્મુખ આ સાદગીપૂર્ણ પરંતુ ગરીમામય ઉજવણી સંપન્ન થઇ હતી. મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાજ્યના નાગરિકોને સંબોધન કરતા કહ્યું કે, પ્રધાનમંત્રીએ ૭૪માં સ્વાતંત્ર્ય પર્વે જાહેર કરેલા ‘નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’માં પણ લીડ લેવા ગુજરાત સજ્જ છે. કોરોનાની વિશ્વવ્યાપી મહામારીના પ્રવર્તમાન સંજાેગોમાં આ ૭૪મું સ્વતંત્રતા પર્વ સામાજિક અંતર-સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉજવાઈ રહ્યું છે. ગુજરાત જન સહયોગથી ‘‘હારશે કોરોના-જીતશે ગુજરાત’’નો મંત્ર પાર પાડશે, કોરોનાને દેશવટો-રાજ્યવટો આપવામાં ગુજરાત સફળ થશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ડિજિટલ અને ઓનલાઈન ક્ષેત્રે ગુજરાતે હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવી છે.

હવે આ ‘નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’માં પણ આપણે અગ્રેસર રહીને આગામી દિવસોમાં ગુજરાતના હેલ્થ સેકટરને સુદ્રઢ-શક્તિશાળી બનાવીશું. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય પર્વને કોરોના વોરીયર્સ સન્માન અવસર બનાવતા રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સંકમિતોની સારવાર પોતાના જીવના જાેખમે પણ કરનારા સરકારના આરોગ્ય વિભાગના ૪૫ તબીબો અને આરોગ્ય સેવા કર્મીઓને પ્રશસ્તિપત્રથી સન્માનિત કર્યા હતા. તેમણે સરકારની કોવિડ ટાસ્ક ફોર્સમાં સેવા-યોગદાન આપી રહેલા ૯ શ્રેષ્ઠ તબીબોનું સન્માન કર્યુ હતું.