દિનેશ પાઠક, ગુજરાતે દૂધ ઉત્પાદનક્ષેત્રે એક નવો વિક્રમ સર્જ્‌યો છે. રાજ્યમાં ૨૮૯ લાખ લીટર દૂધના ઉત્પાદન સાથે દેશમાં મોખરાના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું છે. ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમ.ડી. આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે, આગામી દિવસમાં જ રાજ્યમાં દૂધ ઉત્પાદનની સપાટી ૩૦૦ લાખ લીટરની થઇ જવાની સંભાવના છે.

સહકારીક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતુંકે, રાજ્યના ૧૮ દૂધ ઉત્પાદક સંઘના ૩૬ લાખ ઉપરાંત દૂધ ઉત્પાદકોની મહેનત રંગ લાવી છે. દૂધ ઉત્પાદન ક્ષેત્રે ૧૮૬૦૦ ઉપરાંત ગામના પશુ પાલકો અને ખેડૂતો સીધા જ જાેડાયેલા છે ત્યારે આગામી સમયમાં વધુને વધુ નવા વિક્રમ સર્જાશે. દૂધ ઉત્પાદકોને હાલમાં પોષણક્ષમ ભાવો દરેક દૂધ સંઘો દ્વારા મળી રહ્યા છે ત્યારે હવે પશુપાલનક્ષેત્રે પણ વધુ રોજગારીની તકો જાેવા મળી રહી છે.

રાજ્યમાં દૂધ ઉત્પાદનમાં મોખરે રહેલા સંઘોમાં બનાસકાંઠા, ખેડા,સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, સુરતનું સ્થાન છે. બનાસકાંઠા સંઘ દ્વારા ૮૬.૫ લાખ લીટર, ખેડામાં ૪૨ લાખ લીટર, સાબરકાંઠામાં ૩૬ લાખ લીટર, પંચમહાલમાં ૧૯.૧ લાખ લીટર, સુરતમાં ૧૭ લાખ લીટર, વડોદરામાં ૭ લાખ લીટર દૂધ ઉત્પાદન જાેવા મળી રહ્યું છે.

લૉકડાઉનમાં પણ પશુપાલકોને નાણાં ચૂકવાયાં

કોરોના લોકડાઉન સમયમાં પણ પશુ પાલકોને દૂધ સંઘો દ્વારા નિયમિત રીતે નાણાં ચૂકવવામાં આવ્યા હતા. જેથી પશુપાલકોને પણ કોઇ પણ રીતે નાણાંની મુશ્કલી પડી ન હતી. દરવર્ષે શિયાળામાં દૂધ ઉત્પાદન વધુ થતું હોય છે. આ વખતે અનુકૂળ હવામાનની સીધી જ અસર જાેવા મળી રહી છે.

કયા વર્ષે કેટલી આવક?

૨૦૧૯ ૨૬૦ લાખ લીટર

૨૦૨૦ ૨૪૦ લાખ લીટર

૨૦૨૧ ૨૮૯ લાખ લીટર

નોંધ ઃ જાન્યુઆરી માસ

કયા સંઘમાં કેટલી આવક

• સંઘનું નામ આવક

• ખેડા ૪૨ લાખ લીટર

• મેહસાણા ૩૩ લાખ લીટર

• સાબરકાંઠા ૩૬ લાખ લીટર

• બનાસકાંઠા ૮૬.૫ લાખ લીટર

• વડોદરા ૭ લાખ લીટર

• સુરત ૧૭ લાખ લીટર

• વલસાડ ૭.૫ લાખ લીટર

• અમદાવાદ ૩.૭ લાખ લીટર

•પંચમહાલ ૧૯.૧ લાખ લીટર

• ભરૃચ ૩.૫ લાખ લીટર

• ગાંધીનગર ૨.૬ લાખ લીટર

• રાજકોટ ૫.૨ લાખ લીટર

• સુરેન્દ્રનગર ૬.૬ લાખ લીટર

• ભાવનગર ૩. ૬ લાખ લીટર

• અમરેલી ૧.૮ લાખ લીટર

• જુનાગઢ ૧.૬ લાખ લીટર

• કચ્છ ૫ લાખ લીટર

•પોરબંદર ૩.૩ લાખ લીટર

• બોટાદ ૧.૫ લાખ લીટર

• મોરબી ૧.૮ લાખ લીટર

• જામનગર ૦.૭ લાખ લીટર

લૉકડાઉનમાં જીસીએમએમએફની મહત્ત્વની કામગીરી

લોકડાઉન સમયે જીસીએમએમએફની મહત્વની કામગીરી રહી હતી. અમદાવાદ – વડોદરા જેવા શહેરોમાં ભૂતકાળમાં કરફ્યું વખતે પણ નાગરિકોને નિયમિત દૂધ પુરુ પાડવાની કામગીરીનો અનુભવ સંઘને કામમાં આવ્યો હતો. સંઘ દ્રારા મુંબઇ જેવા મેટ્રો શહેરોમાં પણ નિયમિત રીતે દૂધ અને તેની બનાવટો પુરી પાડવામાં આવી હતી.