ગાંધીનગર-

ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત કોમર્સમાં ચાર રાઉન્ડ પૂર્ણ કરી દેવાયા છે. ચાર રાઉન્ડને અંતે હવે ૧૨,૬૩૩ બેઠકો ખાલી છે. જ્યારે ૨૮,૧૧૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. પ્રવેશ સમિતિએ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી છે. જ્યારે હવે ખાલી બેઠકો માટે કોલેજ લેવલે આંતરિક મેરિટથી બેઠકો ભરવી કે ઓફલાઈન રાઉન્ડ કરવો તે મુદ્દે યુનિ.ર્નિણય કરશે. બી.કોમ, બીબીએ-બીસીએ અને ઈન્ટિગ્રેટેડ એમબીએ સહિતના કોમર્સ ફેકલ્ટીના વિવિધ કોર્સની આ વર્ષે ૪૦,૭૪૪ બેઠકો સામે ૩૬ હજારથી વધુ વિદ્યાર્થી રજિસ્ટર્ડ થયા હતા. આમ પ્રવેશ પ્રક્રિયા પહેલા જ ૪ હજારથી વધુ બેઠકો ખાલી પડી હતી.

યુનિ.દ્વારા એક, બે નહી પરંતુ ચાર ઓનલાઈન એડમિશન રાઉડન્ડ કરવામાં આવ્યા. ચોથા રાઉન્ડમાં માંડ ૨,૮૯૯ વિદ્યાર્થીએ જ પ્રવેશ લીધો હતો. જેમાંથી ૨,૭૯૭ વિદ્યાર્થીઓને કોલેજ ફાળવવામા આવી હતી. જેમાંથી ૧૫૦૨ વિદ્યાર્થીએ ફાળવેલી કોલેજમાં ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જ્યારે ૧૨૯૫ વિદ્યાર્થીઓએ તેમની ચોઈસ અને મેરિટ મુજબ કોલેજ મળી છતાં ફી ભરી નથી અને પ્રવેશ કન્ફર્મ કર્યો નથી. આમ હવે ચાર રાઉન્ડના ચાર અંતે ૧૨,૬૩૩ બેઠકો ખાલી પડી છે. જેમાં સૌથી વધુ બી.કોમની છે અને બી.કોમમાં સૌથી વધુ ગુજરાતી માધ્યમની બેઠકો ખાલી છે. બીબીએ-બીસીએ સહિતના તમામ કોર્સમાં બેઠકો ખાલી છે.

ચાર રાઉન્ડમાં કુલ મળીને ૨૮,૧૧૧ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવી લીધો છે. ખાલી પડેલી બેઠકો હવે જે તે કોલેજાેને પોતાની રીતે ભરવા આપવી કે ઓફલાઈન સેન્ટ્રલાઈઝડ રાઉન્ડ કરવો તે હજુ નક્કી નથી. કોમર્સ ડીનની અધ્યક્ષતાવાળી પ્રવેશ સમિતિએ તો ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી દીધી છે અને હવે કોઈ પણ રાઉન્ડ ન કરવાનું જાહેર કરી દીધુ છે.જ્યારે ૧૨ સા.પ્ર.ની પુરક પરીક્ષા બાદ તેના પરિણામના આધારે હવે ખાલી બેઠકો ભરાશે.આ વર્ષે પુરકમાં વધુ વિદ્યાર્થીઓ હોવાથી કોલેજ લેવલે વધુ બેઠકો ભરાશે.