અમદાવાદ-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રૂ. ૩૭૬ કરોડના ખર્ચે બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે બોલતા તેઓએ જણાવ્યું હતુ કે, બુધેલ બોરડા બલ્ક પાઇપલાઇનના નિર્માણ બાદ ભાવનગરના તળાજા તથા મહુવા, અમરેલીના રાજુલા અને જાફરાબાદ તથા ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર તાલુકા જૂન-૨૦૨૨ સુધી વોટર-ગ્રીડ થકી જોડાઈ જશે. ભવિષ્યમાં સોમનાથ મંદીર પરીસરમાં પીવાનું શુધ્ધ પાણી આ વોટર ગ્રીડથી પહોચશે.

મુખ્યમંત્રીએ ભાવનગર ખાતે બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇના ખાતમુહૂર્ત પ્રસંગે કહ્યું કે, રૂપિયા ૩૭૬.૧૯ કરોડની આ યોજનાથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ૨૦ શહેરો અને ૬૧૨ ગામોની કુલ ૪૩ લાખની વસ્તીને વધારાના પાણીનો લાભ મળશે. તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા એક સપ્તાહમાં પાણી પુરવઠા યોજનાના ૩૩૦૦ કરોડના ખાતમુહૂર્તો-લોકાર્પણ થયા છે. કેન્દ્ર સરકારે ૨૦૨૪ સુધી ઘરે ઘરે નળથી જળ પહોંચાડવાનું લક્ષ્‍યાંક નક્કી કર્યું છે જેને આપણે ૨૦૨૨માં જ પૂરુ કરીશું. તેમણે કહ્યું કે, ઢાંકી સુધી પાણી ગ્રેવીટીથી આવે છે ત્યાંથી સૌરાષ્ટ્ર કચ્છ સુઘી ૧૦૦ માળ જેટલુ લીફ્ટ કરી લઈ જવાય છે. આમ આપણે નેવાના પાણી મોભે ચડાવ્યા છે. રાજ્યમાં પીવાના પાણીની ૧ લાખ કી. મી.થી વધુ પાઈપલાઈનનું નેટવર્ક ભાજપાની સરકારે બિછાવી છે. ગુજરાતમાં ૭૦% વરસાદ ૩૦% ભૂમી પર અને ૭૦% ભૂમી પર ૩૦% વરસાદ પડે છે. આ પેટર્નને કારણે પાણીનું સંતુલિત માળખું વિકસાવવાનું આયોજન સરકારે કર્યું છે. 

મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર, કચ્છ અને તળ કાઠિયાવાડના પાણીના પ્રશ્નોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ 'સૌની યોજના' થકી કાયમ પાણીથી છલોછલ રહેશે. ખેડૂતોને સિંચાઇ અને લોકોને પીવાના પાણીની ચિંતા નહી રહે. ઉપરાંત બીજા તબક્કામાં સૌરાષ્ટ્રના તળાવોને જોડવામાં આવશે જેથી પાણીના તળ ઊચા આવશે.