ગાંધીનગર-

રૂપાણી સરકારને ફાળે વધુ એક સિધ્ધી નોંધાઈ છે. ગુજરાત સરકારે સતત બીજી વાર નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ'તરીકેની સિદ્ધિ મેળવી છે. સમગ્ર દેશમાં સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિગમાં ગુજરાતનો નંબર 1 આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારનાં રોજ આ રેન્કિગ જાહેર કરાયું હતું.

આ પરિણામ સરકાર દ્વારા માત્ર સ્ટાર્ટ અપને ટેકો નહીં પરંતુ નવા સ્ટાર્ટ અપ અને ઈનોવેશનના નિર્માણને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોનું પ્રતિબિંબ છે. સરકારે સ્ટાર્ટઅપ્સ, ઈનોવેશન અને ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા તેમજ યુવા પેઢીને પ્રોત્સાહિત કરવા અસંખ્ય પગલા લીધાં છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલિસી સામેલ છે. 

ઉદ્યોગ સાહસિકતાની આગવી ઓળખ સાથે સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં ગુજરાત પસંદગીનું રાજ્ય બન્યું છે. CM રૂપાણીનાં દિશા દર્શનમાં ગુજરાતે યુવા વિદ્યાર્થીઓના નવા સંશોધનોને વ્યાપક અવસર આપવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી પણ સફળતાપૂર્વક અમલી કરેલ છે.