સિડની 

ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની T20 સીરિઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની ઈજ્જત બચાવતાં ભારતને 12 રનોથી હરાવી દીધું છે. જો કે, બે મેચોમાં જીતની સાથે ભારતે સીરિઝ પર કબ્જો જમાવી દીધો છે. પણ આ ટી20 સીરિઝમાં આપણાં ગુજ્જુ પ્લેયર હાર્દિક પંડ્યાની દિલદારીનો પરચો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ સીરિઝનો એવોર્ડ મળ્યો હતો, પણ તેણે આ એવોર્ડ નટરાજનને આપી દીધો હતો.

હાર્દિક પંડ્યાએ ટ્વીટ કરતાં લખ્યું કે, નટરાજન તું આ સીરિઝમાં આઉટસ્ટેન્ડિંગ હતો. તારા ભારત ડેબ્યુમાં મુશ્કેલ પરિસ્થિતિમાં બ્રિલિયન્ટ પરફોર્મ કરવું એ તારા ટેલેન્ટ અને આકરી મહેનતનું પ્રમાણ બોલે છે. મારા ભાઈ તું મેન ઓફ ધ સીરિઝનો હકદાર છે. જીત માટે ભારતીય ટીમને અભિનંદન.

ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝમાં હાર્દિક પંડ્યા અને ટી નટરાજન છવાયેલાં રહ્યા હતા. પંડ્યાએ બેટિંગથી તો નટરાજને બોલિંગથી ઓસ્ટ્રેલિયાના કોહરામ મચાવ્યો હતો. પંડ્યાએ ભારતીય ટીમ માટે એક સારા ફિનિશરની ભૂમિકા ભજવી હતી. તેણે બીજી ટી20 મેચમાં અણનમ 42 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. જ્યારે પોતાના કેરિયરના પહેલાં પ્રવાસમાં નટરાજને પહેલી ટી20 મેચમાં 3 વિકેટ, બીજીમાં બે વિકેટ અને ત્રીજી મેચમાં એક વિકેટ લઈને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોમાં ખૌફ ઉભો કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, બીજી ટી20 મેચમાં જ્યારે ભારતની જીત થઈ હતી ત્યારે મેન ઓફ ધ મેચનો એવોર્ડ પંડ્યાને મળ્યો હતો. પણ ત્યારે પણ પંડ્યાએ કહ્યું હતું કે, આ એવોર્ડ માટે હું નહીં પણ નટરાજન વધારે હકદાર છે. અને તેનો આ એવોર્ડ મળવો જોઈએ. પણ એમ તો ન થઈ શક્યું, પણ સીરિઝ પત્યા બાદ પંડ્યાએ પોતાને મળેલો મેન ઓફ ધ સીરિઝનો એવોર્ડ નટરાજનના હાથમાં આપી દીધો હતો. જેને પકડીને નટરાજનના ચહેરા પરની ખુશી સાફ જોવા મળતી હતી.