ગ્વાલિયર-

કિલ્લાઓના ઐતિહાસિક શહેર ગ્વાલિયર અને મધ્ય પ્રદેશના ઓરછાનો અર્બન લૅન્ડસ્કેપ સિટી પ્રોગ્રામ હેઠળ યુનેસ્કો (ધ યુનાઈટેડ નેશન્સ ઍજ્યૂકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઈઝેશન)ના વર્લ્ડ હૅરિટેજ શહેરની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું. પ્રવાસન ક્ષેત્રના નિષ્ણાતોએ આ બાબતને રાજ્યની મહત્ત્વની સિદ્ધિ લેખાવી હોવાનું સરકારના સત્તાવાર જનસંપર્ક ખાતાએ સોમવારે કહ્યું હતું.

યુનાઈટેડ નેશન્સ (યુએન)ની એજન્સી યુનેસ્કોનો આશય શિક્ષણ, વિજ્ઞાન તેમ જ સંસ્કૃતિના ક્ષેત્રેે આંતરરાષ્ટ્રીય સહકાર સાધી વિશ્ર્‌વશાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે. હૅરિટેજ શહેરોની યાદીમાં સમાવેશ થયા બાદ ગ્વાલિયર તેમ જ ઓરછાનો ચહેરો સંપૂર્ણ બદલાઈ જશે અને રાજ્યના પરિવહન ખાતા સાથે મળીને યુનેસ્કો આ બંને શહેરના સૌંદર્યકરણની યોજના ઘડી કાઢશે, એમ તેમણે કહ્યું હતું.

યુનેસ્કોની ટીમ આવતા વરસે રાજ્યની મુલાકાત લેશે અને હૅરિટેજ સ્થળોની મુલાકાત લીધા બાદ તેના વિકાસ અને જાળવણી માટે માસ્ટર પ્લાન ઘડી કાઢશે, એમ તેમણે કહ્યું હતું. આ યોજના દક્ષિણ એશિયા માટે દૃષ્ટાંતરૂપ હશે, એમ તેમણે કહ્યું હતું.