વડોદરા : દેશમાં હાલમાં વોકલ ફોર લોકલના સૂત્રને જાેરશોરથી ચગાવવામાં આવી રહ્યું છે ત્યારે જ ચીનની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની એસએઆઇસી હાલોલના પ્લાન્ટમાં રુપિયા ૫૦૦ કરોડનું વધુ રોકાણ કરનાર છે. એમજી મોટર્સની હેકટર શ્રંણી મોટર કારને મળેલી જંગી સફળતા બાદ હવે હાલોલ પ્લાન્ટમાં વધુ એક શિફ્ટ શરૃ કરવાના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 

કોર્પોરેટ સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી સમયમાં રૃ.૫૦૦ કરોડના નવા મૂડી રોકાણના પગલે સ્થાનિક રોજગારી વધશે. અંદાજે ૧૦૦૦ ઉપરાંત યુવાનોને સીધી કે પરોક્ષ રીતે રોજગારી મળી શકશે. હાલોલ પ્લાન્ટમાં હેકટરનું ઉત્પાદન થઇ રહ્યું છે અને આ કારને મળેલી ભારે સફળતાના પગલે હવે કુંપની વધુ ૫૦૦ કરોડ રૃપિયાના રોકાણ માટે આગળ ધપી રહી છે.

૨૦૨૧ના ત્રીજા ત્રિમાસિક સમયમાં એટલેકે આગામી નવરાત્રીના તહેવારોની આસપાસ નવી એસયુવી શ્રેણી રજૂ કરવામાં આવશે. હાલમાં ચાલતી શિફ્ટમાં વધારો કરવામાં આવશે. જેથી આગામી સમયમાં હાલોલનો પ્લાન્ટ નવા મૂડીરોકાણના પગલે ધમધમી ઉઠશે. હાલોલમાં આવી રહેલા નવા રૃ.૫૦૦ કરોડના રોકાણની સીધી અસર ગુજરાતના અર્થતંત્ર ઉપર પણ પડશે. જેના પગલે આ કંપનીને કાચો માલ તથા યંત્ર સામગ્રી પૂરી પાડતી એન્સીલરી કંપનીઓને પણ વિકાસની તક મળશે. હાલમાં ૨૫૦૦ ઉપરાંત કર્મચારો ધરાવતી આ કંપનીમાં વધુ ૧૦૦૦ કર્મચારીનો વધારો થશે.

વડોદરાને સીધો જ ફાયદો

એમજી મોટર્સ દ્વારા રજૂ થનારા નવા મોડલ માટે રૃ.૫૦૦ કરોડનું મૂડીરોકાણ આવી રહ્યું છે ત્યારે સીધો જ ફાયદો વડોદરાને થશે. વડોદરા જ એમજી મોટર્સના કર્મચારીઓ માટે મહ્‌ત્વનું બની રહેશે. વડોદરાના રિઅલ એસ્ટેટ સેકટરને પણ આ રોકાણથી ફાયદો થશે.