કોરોનાવાયરસ વચ્ચે ફોર્મ્યુલા-1 કાર રેસિંગ સીઝન આજથી ઓસ્ટ્રિયામાં શરૂ થશે. 70 વર્ષ જૂન ફોર્મ્યુલા-1 અંતર્ગત 6 મહિનામાં 15થી 18 ગ્રાન્ડ પ્રિકસ રેસ કરાવવાની તૈયારી છે. શરૂઆતી 8 રાઉન્ડની રેસ ઓસ્ટ્રિયા, હંગેરી અને બ્રિટન સહિત 6 દેશોમાં રેસ યોજાશે. ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડનો લુઇસ હેમિલ્ટન આ વખતે રંગભેદ વિરુદ્ધ બ્લેક ડ્રેસ અને કાર સાથે ઉતરશે. તેની કાર અને હેલ્મેટ પર 'બ્લેક લાઇવ્સ મેટર'નો લોગો પણ હશે.

કોરોનાના કારણે ફોર્મ્યુલા-1 દર્શકો વગર થશે. ચેમ્પિયનશિપ દરમિયાન કોઈ ડ્રાઇવર સંક્રમિત થાય તો સીઝન રોકવામાં આવશે નહિ. દરેક ટીમમાં રિઝર્વ ડ્રાઇવર હશે, જે સંક્રમિતને રિપ્લેસ કરશે. ફોર્મ્યુલા-1ની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં થવાની હતી, જોકે વિકેન્ડ શરૂ થતા પહેલા જ મેકલારેન ટીમનો સદસ્ય સંક્રમિત થતા 15 માર્ચે ટૂર્નામેન્ટ રોકવામાં આવી હતી.

વાયરસના કારણે અત્યાર સુધીમાં 7 રેસ કેન્સલ થઈ ગઈ છે. જ્યારે 9 રેસ સ્થગિત કરવામાં આવી છે. ફોર્મ્યુલા-1ના ઇતિહાસમાં જર્મનીના માઇકલ શૂમાકરે સૌથી વધુ 7 વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. હેમિલ્ટન 6 ટાઇટલ સાથે તેનાથી એક કદમ જ દૂર છે.

મર્સિડીઝ બ્લેક લાઇવ્સ મેટરને ટેકો આપવા માટે બ્લેક કાર સાથે ચેમ્પિયનશીપમાં ઉતરશે. 6 વખતનો વર્લ્ડ ચેમ્પિયન હેમિલ્ટન મર્સિડીઝનો ડ્રાઇવર છે. તે એકમાત્ર બ્લેક ફોર્મ્યુલા -1 રેસર પણ છે.

હેમિલ્ટને વીડિયો સંદેશમાં કહ્યું, "મારી હેલ્મેટનો રંગ બદલાઈ ગયો છે. સૂટ અને કારનો પણ. તે સમાનતા અને અધિકારો માટે છે. ફોર્મ્યુલા -1માં બ્રાન્ડ્સ અને ટીમો, દરેકનું જવાબદાર હોવું જરૂરી છે. તેમને લોકોને શિક્ષિત કરવાની અને સમજાવવાની જરૂર છે કે આવી (બ્લેક લાઇવ મેટર) હિલચાલ શા માટે થઈ રહી છે. આ હજી પણ મોટો મુદ્દો છે. દુનિયા તેની સાથે લડી રહી છે. માર્ટિન લ્યુથર કિંગે તેની સામે લડ્યા અને 60 વર્ષ પછી પણ આપણે લડી રહ્યા છીએ."